કચ્છ: શહેરનું જિલ્લામથક એટલે કે ભુજનો આજે 477મો સ્થાપના દિવસ છે. આજે ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે રાવ ખેંગારજી પહેલાએ ભુજ શહેરની સ્થાપના કરી હતી. ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલ ભુજિયા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું હતું. રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુમથક બન્યું છે.
ભુજ શહેરનો 477મો સ્થાપના દિવસ: ભુજ કે જે અગાઉ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું તે આજે વિશાળ વિસ્તારમાં પ્રસરી ગયું છે અને આજે 477માં સ્થાપના દિવસમાં ભુજ 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરી ગયું છે. ભુજના સ્થાપના દિવસના અવસર પર આ પાટનગરને મહાનગર પાલિકા તરીકે જાહેર કરવામાં આવે તેવી લોક માંગણી કરી રહ્યા છે. આજે ભુજના દરબારગઢ ખાતે રાજ પરિવાર, કચ્છના સાંસદ અને ભુજ નગરપાલિકાના નગરસેવકો દ્વારા ખીલી પૂજન કરીને ઉજવણી કરવામાં આવી હતી, ત્યારબાદ કેક કટ પણ કરવામાં આવી હતી.
ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું: આજે ભુજ શહેરનો 477 મો સ્થાપના દિવસ છે. ઉલ્લેખનીય છે કે, ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું. 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું અને ત્યારબાદ ભુજને જિલ્લાનું વડું મથક જાહેર કરવામાં આવ્યું હતું. ભુજના સ્થાપના દિવસે શહેરને મહાનગર પાલિકા નિયુક્ત થાય તેવી લોકોએ લાગણી દર્શાવી હતી. અગાઉ પાંચ નાકા અને છઠ્ઠીબારીમાં ભુજનો વિસ્તાર ગણાતો હતો, પરંતુ હવે શહેરના બહારના વિસ્તારોમાં અનેક વિકાસના કામો થઈ ગયા છે. ચરે તરફ વિકસતા વિસ્તારના કારણે ભુજનું સ્થાન લોકોના હૃદયમાં પણ અંક્તિ થઈ ગયું છે. જે માટે સ્થાનિકોમાં એક પંકતી પણ પ્રખ્યાત થઈ છે કે,
''અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,
ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.''
ઉપર દર્શાવેલ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે. અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું. ભુજ શહેરમાં કચ્છના જોવાલાયક મુખ્ય પ્રવાસન સ્થળો છે, કચ્છ મ્યુઝિયમ, સ્મૃતિ વન, હમીરસર તળાવ, જમાદાર ફતેહમામદનું ખોરડું, છતરડી, સ્વામીનારાયણ મંદિર, દરબાર ગઢ, આયના મહેલ, પ્રાગ મહેલ, ત્રિમંદિર, ટપકેશ્વરી, ભુજિયો ડુંગર, ખેંગારજી પાર્ક, લખોટો (રાજેન્દ્ર બાગ), દાદાદાદી પાર્ક, હિલ ગાર્ડન, રુદ્રમાતા, સુરલભીટ્ટ, રામકુંડ વગેરે જેવા પ્રવાસન સ્થળો ભુજમાં પ્રસિદ્ધ છે.
કચ્છરાજનું ચલણી નાણું છપાતું હતું: ઇતિહાસકારોના જણાવ્યા મુજબ રાજાશાહી વખતમાં અહીં ટંકશાળ હતી. રાજ્યમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પણ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા. આજથી 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી ત્યાં કચ્છરાજનું ચલણી નાણું છપાતું હતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી ત્યારબાદ ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી હતી. અહીં હાલ બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશોશિયેશનની ઓફિસ સ્થિત છે.
રાજવીઓએ દરબારગઢમાં નિવાસ સ્થાન બનાવ્યું: ભુજ શહેરની સ્થાપના કરનારા રાવખેંગારજી પહેલાથી લઈને મહારાવ મદનસિંહ સહિત રાજવીઓએ ભુજમાં આવેલ દરબારગઢને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. રાજાશાહી સમયના ભુજ શહેર અને આજના ભુજ શહેરમાં મોટો બદલાવ આવી ગયો છે. આજે ભુજ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ભુજ સ્થાપના સાથે જોડાયેલ કેટલાક ઐતિહાસિક સ્થળો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જો આ તમામ ઐતિહાસિક સ્થળોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો ભુજના પ્રવાસન સ્થળને વધુ વેગ મળશે.
ભુજે 2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ કરી: ભુજની સ્થપનાથી લઈને અત્યાર સુધીમાં આ વિસ્તારે અનેક કુદતી આપત્તિનો સામનો કર્યો છે. ભુજ ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચુક્યો છે. જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાં ભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું હવે ભુજ ક્યારેપણ બેઠું નહિ થાય અને આજે ભુજે 2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ કરી છે. ભુજ આજે કચ્છના પાટનગર તરીકે ઓળખાઈ રહ્યું છે. સાથે જ ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છ મુલાકાતે આવી રહ્યા છે.
ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે કરે છે ઉજવણી: દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક એટલે કે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોડાઈ હતી ત્યાં પૂજા કરવામાં આવી હતી. જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ જોડાયા હતા. રાજ પરિવાર પણ આ પૂજામાં જોડાયો હતો. આઝાદી પહેલા આ વિધિ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે, ભુજની સ્થાપના સવંત 1605 માં માગશર સુદ પાંચમના દિવસે થઈ હતી. આજનો દિવસ લાખો ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે મનાવી રહ્યા છે.
આ પણ વાંચો: