કચ્છઃ બન્ની વિસ્તારમાં અનેક પ્રકારના ઘાસ ઉત્પન્ન થાય છે. બન્નીના ઘાસીયા મેદાનોમાં ઉનાળાના સમયમાં ભીષણ આગ લાગતી હોય છે. ઝડપથી પ્રસરતી આગને કાબુમાં લેવા ઘણો સમય લાગી જાય છે. ઘાસીયા મેદાનોમાં આગ લાગે છે ત્યારે માલધારીઓ પણ પોતાના ઢોર માટે ચિંતાતુર બની જાય છે. આ આગને કાબુમાં લાવવા સ્થાનિકો દ્વારા પણ પ્રયાસો કરાતા હોય છે.
ભેંસોના ચરિયાણનું ઘાસ ભસ્મીભૂતઃ બન્નીના ઘાસીયા મેદાનોમાં જ્યારે આગ લાગે છે ત્યારે રાત્રિના સમયે પવનની ગતિ વધુ હોવાથી આગ સીમાડાના વિસ્તારમાં ઝડપથી પ્રસરી જાય છે. જો કે અત્યાર સુધીમાં આગના બનાવોમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. આ આગના કારણે બન્ની વિસ્તારના પશુઓ ખાસ કરીને ભેંસોના ચરિયાણ માટેનું ઘાસ બળીને ખાક થઈ જતું હોય છે.
'કલ' નામના ઘાસમાં ઝડપથી આગ પકડાય છેઃ બન્ની ગ્રાસલેન્ડ વન વિભાગના નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલના જણાવ્યા મુજબ દર વર્ષે આ સમયગાળામાં પાણીના ઘાસ કે જેને 'કલ' કહેવામાં આવે છે તેમાં આગ લાગે છે. આગને કાબુમાં લાવવા માટે વન વિભાગ, સ્થાનિકો દ્વારા ટેન્કર મારફતે તેમજ ભુજ ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ખાસ કરીને બન્નીના માલધારીઓ જ્યારે પશુઓ ચરાવવા જતા હોય છે ત્યારે ત્યાં ચા બનાવતા હોય છે અને ત્યાંથી ગયા બાદ તે આગ ઓલવવાનું ક્યારેક ભૂલી જતા હોય છે અને લાકડા સળગતા મુકીને જતા રહે છે. જેનાથી 'કલ' નામનું સ્થાનિક ઘાસ છે આગ પકડી લે છે. આ ઘાસ પાણી આધારિત ઘાસ છે અને તેમાં આગ લાગ્યા બાદ આગ ઝડપથી પ્રસરતી હોય છે.
આગ લાગવાના કારણોઃ બન્ની વિસ્તારમા મધનું ઉત્પાદન પણ મોટા પાયે થતું હોય છે ત્યારે માલધારીઓ મધ માટે પણ ધુમાડો કરતા હોય છે. જેના કારણે પણ ઘાસમાં ધુમાડા કરતા સમયે આગનો તણખો ઊડીને પડતાં આગ પ્રસરી જાય છે. આ સિવાય પણ એક કારણ એ હોય છે કે જ્યારે માલધારીઓ બળતણ માટે ગાંડા બાવળ કાપતા હોય છે ત્યારે કાંટા સહેલાઈથી નીકળી જાય તે માટે આગ લગાડતા હોય છે. જેના કારણે પણ ઘાસમાં આગ લાગતી હોય છે. આ ઉપરાંત અન્ય એક કારણ એ પણ છે જ્યારે માલધારીઓ ધૂમ્રપાન કરતા હોય છે ત્યારે પણ બેદરકારીથી આગ લાગતી હોય છે. ખાસ કરીને જાન્યુઆરીથી વરસાદની સીઝન સુધી આગના બનાવો બનતા હોય છે. આ ઘાસ સુકાયેલ હોય છે જેથી કરીને આગ ઝડપથી પ્રસરે છે. ઘાસમાં આગને પ્રસરતું રોકવા માટે વન વિભાગ દ્વારા ઘાસના 6થી 8 મીટર જેટલા વચ્ચેના પટ્ટા કાપી નાખવામાં આવે છે જેથી કરીને આગ પ્રસરતા રોકી શકાય.
નીચાણ વાળા વિસ્તારોમાં આગના વધુ બનાવોઃ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 3 વખત આગના બનાવો બન્યા છે. ખાસ કરીને નીચાણ વાળા વિસ્તારો જેવા કે સરાડા, ભગડિયા, મીઠડી, સેરવો જેવા ગામોમાં કલ ઘાસ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પશુઓ જ્યારે અન્ય ઘાસનો જથ્થો પૂર્ણ થઈ જાય બાદ જ આ ઘાસનું ચરિયાણ તરીકે ઉપયોગ કરતા હોય છે.
1.40 લાખ જેટલું પશુધનઃ આગના બનાવો બાબતે બન્નીના સ્થાનિક ઈમરાન મુત્વાએ etv Bharat સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, બન્ની વિસ્તારમાં 1.40 લાખ જેટલું પશુધન છે અને ખાસ કરીને બન્નીના ઘાસીયા મેદાનમાં 'કલ' ઘાસ છે તેમાં આગના બનાવો વધુ બનતા હોય છે. આગ લાગે ત્યારે સ્થાનિકો દ્વારા આગ બુઝાવવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ખાસ કરીને ધોરડોમાં રણોત્સવ સમયે ફાયર બ્રિગેડનું વાહન ઉપલબ્ધ હોય છે ત્યારે તે કામ આવે છે. વન વિભાગ દ્વારા પણ મદદ કરવામાં આવે છે પરંતુ ભુજ ફાયર સ્ટેશનથી ફાયર વિભાગની ટીમને આવતા સમય લાગે છે અને ત્યાર સુધીમાં આગ મોટા સીમાડામાં ફેલાઈ જતી હોય છે. બન્ની વિસ્તારમાં સ્થાનિક ફાયર ફાઈટરની ટીમ તૈનાત કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.