રાજકોટ: ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠક નિષ્ફળ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા રૂપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રૂપાલા વિરુદ્ધ રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. બોયકોટ રૂપાલાનાં પોસ્ટરો આજે રાજકોટમાં લાગ્યા બાદ, હવે ગામે ગામે ભારતીય જનતા પક્ષનાં કાર્યકર્તાઓને પ્રવેશબંધી અને રૂપાળા વિરુદ્ધ એક પ્રકારે પોસ્ટર યુદ્ધનાં મંડાણ થઇ ચુક્યા છે.
ત્યારે રાજકોટનાં લોકસભા 2024ની ચૂંટણીનાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ઉમ્મેદવારી રદ નહિ થાય તો ક્ષત્રિય સમાજનાં યુવાનો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કચકચાવીને 100% મતદાન કરશે.
ક્ષત્રિય સમાજનું એલાન: રૂપાલાની ટિકિટ જો હવે રદ કરવામાં નહિ આવે તો માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ જ નહિ પરંતુ ગુજરાતનો ક્ષત્રિય સમાજ તેમજ રાષ્ટ્રનો ક્ષત્રિય સમાજ પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનો અને વિરોધ પ્રદર્શનો કરતા અચકાશે નહિ તેવું અનેક ક્ષત્રિય મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય પુરુષ અગ્રણીઓએ એલાન કરી દીધું છે. આવા વિરોધનાં ચાલતા જ રાજકોટ વોર્ડ નં 17 અને 18 ના 350 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ વોર્ડ નં 18 માં આવેલ મા આશાપુરાના મંદિર ખાતે એકત્ર થઈ જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુધ્ધ 100% મતદાન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી.
ક્ષત્રિય સમાજની ત્રણ વાર માફી માંગી: ભારતીય જનતા પક્ષ દ્વારા આ મુદ્દે કરવામાં આવેલ ડેમેજ-કંટ્રોલની તમામ કવાયતો નિષ્ફળ જતી દેખાઈ રહી છે. રૂપાલા તેમજ ભારતીય જનતા પક્ષનાં ગુજરાત રાજ્યનાં પ્રમુખ સી. આર. પાટીલે પણ માફી માંગી હોવા છતાં આ વિરોધ શમતો દેખાતો નથી. આવી પરિસ્થિતિમાં ક્ષત્રિય યુવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ કચકચાવીને 100% મતદાન લેવાનાં શપથ અને પ્રતિજ્ઞાનાં દ્રશ્યોએ રાજકોટમાં ઉનાળાની મોસમમાં વધતા તાપમાન સાથે રાજકીય તાપમાનનો પારો પણ વધારી દીધો છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરનાં ચૂંટણી અધિકારી એટલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ મુદ્દે કરવામાં આવેલી તપાસનો અહેવાલ રાજ્યનાં ચૂંટણી અધિકારીને બુધવારે સુપ્રત કરી દીધા બાદ, આ પ્રકારનાં ક્ષત્રિય સમાજ દ્વારા શૈલિબદ્ધ અને શિસ્તબદ્ધ વિરોધનાં કાર્પેટ બોમ્બિંગ સમાન દ્રશ્યો રાજકોટમાં આવનારી ચૂંટણીઓ માટે એકંદરે ગર્ભિત સંદેશ આપી રહી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યાનું રાજકીય વિશ્લેષકો માને છે.