રાજકોટ: ક્ષત્રિય સમાજના મહિલા આંદોલનકારી એવા પદ્મિનીબા વાળાએ પોતાની ટીમ સાથે રાજકોટના ખોડલધામ ખાતે ખોડલ માતાજીના દર્શન કર્યા હતા. આ દર્શન કરીને પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવા માટે પ્રાર્થના કરી હતી અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે, માતાજી પુરૂષોત્તમ રૂપાલાને સદબુદ્ધિ આપે અને તેઓ જાતે ખસી જાય તેવી માનતા કરી હતી અને સાથે જ કહ્યું હતું કે, રૂપાલા પાંચ લાખ વખત માફી માંગે તો પણ માફી નહી આપીએ તેવું જણાવ્યું છે.
જાણો શુ કહ્યુ પદ્મિનીબાએ: સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે ક્ષત્રિય સમાજના મહિલા એવા પદ્મિનીબા વાળા આવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા પાંચ લાખ વાર માફી માંગે તો પણ માફી આપવાની નથી. પુરૂષોત્તમ રૂપાલાએ અંતરાત્માનો અવાજ સાંભળીને પોતે જ ચૂંટણી નથી લડવી તેવું જાહેર કરવું જોઈએ તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ક્ષત્રિયોના મહાસંમેલનમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ આગામી સંમેલનમાં જે નિર્ણય લેવાય તેના પરથી આગળની રણનીતિ નક્કી કરશું.
રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે: રાજકોટના ખોડલધામ ખાતે પદ્મિનીબા વાળાએ માં ખોડલ પાસે ખોળો પાથરીને પ્રાર્થના કરી છે કે, રૂપાલા ખુદ ચૂંટણીમાંથી હટી જાય તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસ રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનુ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી ક્ષત્રિય સમાજ રાજકોટ ઉમટી પડશે ત્યારે આ સંમેલન બાદ નવાજૂની થવાની સંભાવના છે.