બારડોલી: પરષોત્તમ રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હવે ક્યાંકને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પણ દુખાવા સમાન બની ગયો છે. પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો છતાં પણ રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પરષોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે.
મહત્વની બેઠક યોજાઇ: રાજ્યના વિવિધ ઝોનમાં ક્ષત્રિય સમાજના સંમેલન થયા હતા. આ સંમેલન વિવિધ ઝોન પસાર કરીને દક્ષિણ ગુજરાતમાં પણ આ લડત પહોંચી છે. અને આ લડતના ભાગરૂપે સુરત સુરત જિલ્લાના બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઇ હતી.
12 રાજપૂત મંડળોની બેઠક મળી: દક્ષિણ ગુજરાતની બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ અલગ રણનીતિથી ભાજપની વિરોધમાં કામ કરશે. જેના ભાગરૂપે આવનારા દિવસોની અંદર દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજ સ્વાભિમાન સંમેલન બેનર હેઠળ સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટું સંમેલનનું આયોજન થશે. એ આયોજનના ભાગરૂપે રવિવારે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના 12 જેટલા મંડળના મુખ્ય હોદ્દેદારો, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંમેલન અંગે વહીવટી મંજૂરી મેળવીને તારીખ અને સમય પણ ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવશે.
સંમેલન માટે અપાયું માર્ગદર્શન: દક્ષિણ ગુજરાતમાં યોજનાર સંમેલનને લઈને રાજ્ય રાજપૂત સંકલન સમિતિના દક્ષિણ ગુજરાતના સભ્ય મદન સિંહ અટોદરિયા તેમજ કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજના પ્રદ્યુમનસિંહ જાડેજાએ સંમેલનની રૂપરેખા તેમજ સંમેલનના યોગ્ય આયોજનને લઈને માર્ગદર્શન આપ્યું હતું. બારડોલી વિભાગ રાજપૂત સમાજના ટ્રસ્ટી અમીશસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટની જેમ બારડોલી ખાતે પણ આગામી દિવસોમાં રાજપૂત સ્વાભિમાન સંમેલન યોજાશે. જેના આયોજનના ભાગ રૂપે આજે દક્ષિણ ગુજરાતના 12 મંડળોના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તંત્ર પાસે પરવાનગી લઈ સંમેલનની તારીખ, સમય અને જગ્યાની જાહેરાત કરવામાં આવશે.