રાજકોટ: લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટીપ્પણીના કારણે આ મુદ્દાએ જોર પકડ્યું છે, હવે આ રાજકીય લડાઈ ન રહીને ક્ષત્રિય સમાજનો મુદ્દો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગત રાત્રિ અને આજે વહેલી સવારે રાજકોટ શહેરમાં અનેક સ્થળોએ લોકોએ બૉયકોટ રૂપાલાના પોસ્ટરો લગાવ્યા હતા. એક વીડિયોમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના સભ્ય રીવાબા જાડેજાનાં નણંદ - કુમારી નયનાબા જાડેજા પણ પોસ્ટરો લગાવતા જોવા મળે છે, જેમાં એ વીડિયોમાં તે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘરની બહાર પોસ્ટર લગાવ્યા હોવાનો દાવો કરતા જોવા મળે છે. ETV ભારતે નયનાબા જાડેજા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને આ વાતચીત ગાંધીનગરમાં ખાતે યોજાઈ રહેલી ક્ષત્રિય સમાજના કાર્યકરો સાથે ભાજપની બેઠક પહેલા કરવામાં આવી હતી. નયનાબાનું સ્પષ્ટપણે કહેવું છે કે જો ક્ષત્રિય સમાજની તરફેણમાં નિર્ણય નહીં લેવામાં આવે તો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું પ્રદર્શન અને વિરોધ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે અને તેને અસરકારક બનાવવા પ્રયાસો આદરવામાં આવશે.
પ્રશ્ન: આ મુદ્દો હવે રાજકીયને બદલે સમાજીક મુદ્દો બની ગયો હોવાથી ભવિષ્યની રણનીતિ શું હશે?
જવાબ: આ મુદ્દો હવે વેગ પકડશે, કારણ કે અત્યાર સુધી અમે વિનંતી કરી છે, પરંતુ જો ગાંધીનગરમાં યોજાનારી આજની બેઠકમાં અમારા પક્ષમાં નિર્ણય નહી આવે તો આજે તો અમે રાજકોટમાં પોસ્ટરો લગાવ્યા છે, કાલે સમગ્ર ગુજરાતમાં બોયકોટ રૂપાલાનાં પોસ્ટરો લગાવવામાં આવશે, તમામ ક્ષત્રિયોએ મહાસંમેલનમાં આવીને પોતાની ક્ષત્રિય જ્ઞાતિની તાકાત બતાવવી જોઈએ, તેવું અમે ક્ષત્રિય સમાજનાં લોકોને આવાહન કરીએ છીએ.
પ્રશ્ન: હાલમાં આ મુદ્દો માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પૂરતો સીમિત છે, સોશિયલ મીડિયા પર આ મુદ્દો કેવી રીતે વેગ પકડશે?
જવાબ: આ મુદ્દો #boycottrupala ના હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર પ્રસરે અને ફેલાય તે દિશામાં હું તમારા માધ્યમ દ્વારા અપીલ કરું છું કે તમે કોઈપણ પ્લેટફોર્મ પર હોવ ચાહે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ એ કોઈપણ સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ પર #boycottrupala ને ટ્રેન્ડ કરાવો, તો જ તમારો અવાજ દિલ્હી સુધી સંભળાશે.
પ્રશ્ન: રાજા-રજવાડાઓ મહદંશે આવા વિરોધોનું ખુલ્લેઆમ સમર્થન નથી આપતા હોતા, તો પછી આવા પ્રભાવશાળી લોકો પણ આ આંદોલનમાં જોડાય તે માટે તમે શું કરશો?
જવાબ: ઘણા રાજા-રજવાડાઓ અને પ્રભાવશાળી લોકો આ મુદ્દે તેમની પ્રતિક્રિયાઓ આપી છે, મોટેભાગે રાજા-રજવાડાઓ અને તેમના પરિવારજનો આવી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે, તેઓ જુએ છે કે આ આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે અને પછી તેઓ ખુલ્લેઆમ સમર્થન આપે છે. આવા ઘણા પ્રભાવશાળી લોકો સાથે વાટાઘાટો ચાલી રહી છે, આવા પ્રભાવશાળી લોકો, રાજા-રજવાડાઓ આગામી દિવસોમાં આ અભિયાનમાં જોડાશે, એવી અમને ચોક્કસ આશા છે.
ક્ષત્રિય સમાજ રૂપાલાની વિરુદ્ધમાં પ્રચાર કરશે: ક્ષત્રિય સમાજનો સૂર સ્પષ્ટ છે કે રૂપાલા માત્ર રાજકોટમાંથી ઉમેદવાર તરીકે લડે એ વાતને તો કોઈ ચોક્કસ સ્થાન છે જ નહિ પરંતુ આ વખતે તેમણે બીજે ક્યાંયથી ચૂંટણી લડવી જોઈએ નહીં અને જો આમ નહીં થાય તો ક્ષત્રિય સમાજ રૂપાલાની વિરુદ્ધમાં પ્રચાર કરશે. ક્ષત્રિય સમાજ આ મુદ્દાને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે પીછેહઠ નહીં કરે. તો બીજી તરફ રૂપાલાએ કરેલા નિવેદનો મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલી તપાસનો અહેવાલ રાજ્યના ચૂંટણી અધિકારીને મોકલવામાં આવ્યો છે અને હવે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચાલી રહેલી મંત્રણા પર સૌની નજર ટકેલી છે.