જૂનાગઢ : રાજ્યના વીજ વિભાગ માટે સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો હવે ગળામાં ફસાયેલા હાડકા સમાન બની રહ્યો છે. સ્માર્ટ વીજ મીટર નાખવાની અમલવારી શરૂ થતા જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વિરોધ તો કેટલાક જિલ્લાઓમાં ભારે ઉગ્ર વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે.
સ્માર્ટ વીજ મીટરનો વિરોધ : રાજ્યના વીજ વિભાગ અને ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર લોકોની આ સમસ્યા સમજે અને સ્માર્ટ વીજ મીટર નાખવાની યોજના તાકીદે અટકાવે તેવી રજૂઆત કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કરવામાં આવી છે.
ઉગ્ર વિરોધની ચીમકી : રાષ્ટ્રીય એકતા કોમી એકતા સમિતિએ કહ્યું કે, સ્માર્ટ વીજ મીટર નાખવાની યોજના તાકીદે અટકાવે, નહીંતર જે પ્રકારે રાજ્યના અન્ય શહેરોમાં વિરોધ થયો છે, બિલકુલ તે જ પ્રમાણે જૂનાગઢ શહેરના નગરજનો પણ સ્માર્ટ વીજ મીટરના વિરોધને લઈને માર્ગ પર ઉતરતા અચકાશે નહીં.
સરકાર પર ગંભીર આક્ષેપ : કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્માર્ટ વીજ મીટર મૂકવાનો નિર્ણય લઈને ખાનગી ઉદ્યોગપતિઓને મસમોટો લાભ પહોંચાડવાનું કારસ્તાન કેન્દ્ર અને રાજ્યની સરકાર કરી રહી છે, જેને કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ ક્યારેય શાખી નહીં લે.
એકતા સમિતિની રજૂઆત : ગુજરાતના લાખો લોકો મુશ્કેલીથી રોજગારી મેળવી રહ્યા છે. તેમની આવક પર સૌથી મોટો કાપ સ્માર્ટ વીજ મીટર મૂકશે. જેથી આ વીજ મીટરની અમલવારી રદ કરવામાં આવે અને જૂના મીટરને યથાવત રાખીને લોકોને વીજ પુરવઠો 24 કલાક આપવામાં આવે તેવી માંગ પણ સમિતિ દ્વારા કરવામાં આવી છે.