અમદાવાદ: વિશ્વમાં વસતા સૌ કોઈ માનવી માટે રોટી, કપડા ઔર મકાન ખુબજ જ જરૂરી છે, એમાં પણ માણસ રોટી વગર એટલે કે ભૂખ્યો તો ન જ રહી શકે, રોટી એટલે કે રોટલીની વાત આવે ત્યારે અમદાવાદનું એક બજારનું નામ ઉભરી આવે, જ્યાં સવારથી સાંજ લોકો રોટલી બનાવવાનું કાર્ય કરે છે. ખાસ કરીને અહીંની મહિલાઓ રોટલી બનાવવાનું કામ કરીને આત્મનિર્ભરતાની દીશામાં આગળ વધી રહી છે.
અમદાવાદના જમાલપુર બ્રિજ નીચે જગન્નાથ મંદિર નજીક રોટલી માટેની એક મોટી બજાર આવેલી છે, આ રોટલી બજારમાંથી શેકાયેલી રોટલી અમદાવાદમાં જમાલપુર, કાલુપુર, પાલડી ભઠ્ઠા, સરસપુર અને આસપાસના ઘણા વિસ્તારોમાં મોકલવામાં આવે છે. શહેરની નાની-મોટી લારીવાળાઓ પણ આ રોટી બજારમાંથી છૂટક અને જથ્થાબંધ રોટલીઓ લઈ જાય છે, જ્યારે કેટલાંક લોકો પાર્ટીના ઓર્ડર મળે તો મોટી માત્રામાં રોટલીઓ પાર્સલ લઈ જાય છે.
અમદાવાદની રોટી બજાર બહુ જ ફેમસ બજાર છે, ત્યાં મહિલાઓ રાત્રે ત્રણ વાગ્યાથી રોટી બનાવવાની શરૂઆત કરે છે, અને સવારમાં ગરમા-ગરમ રોટી ગ્રાહકો માટે તૈયાર કરે છે. અહીંની રોટી ઘણા રેસ્ટોરન્ટ, હોટલ્સ અને લારીઓ વાળા લઈ જાય છે, અને જે લોકો નોકોરી-ધંધા પર જાય છે જેઓને રોટલી બનાવવાનો ટાઈમ નથી મળતો તેવા લોકો પણ અહીંથી છુટક રોટલી ખરીદીને લઈ જાય છે. -યાસ્મીન બાનુ, રોટલી બનાવનાર, જમાલપુર
ઘણા વિસ્તારમાં રોટલી સપ્લાય કરનાર સાજીદભાઈએ જણાવ્યું હતું કે અમે છેલ્લા દસ વર્ષથી રોટીનું બિઝનેસ કરીએ છીએ અને જેટલી લોકો રોટીનો ઓર્ડર આપે એટલી રોટી બનાવીને તેમની હોટલો અને દુકાનો સુધી પહોંચાડીએ છીએ. પેલા બે રૂપિયાની રોટલી આવતી હતી, હવે મોંઘવારી અને આટાના ભાવ વધવાના કારણે અમે એક રોટલી ત્રણ રૂપિયામાં વેચીએ છીએ.
અહીં છેલ્લાં 15 વર્ષથી રોટલી બનાવનાર સમીનાબાનુંએ જણાવ્યું હતું કે, અમે પહેલાં 50 રોટલી બનાવવાની શરૂઆત કરી હતી અને ધીરે-ધીરે લોકોને આ રોટી પસંદ આવવા લાગી, તો અમે આ કામને વિસ્તાર્યું અને મોટાપ્રમાણમાં રોટલી બનાવવાની શરૂઆત કરી ૧૦ થી ૧૫ જેટલા પરિવારો રોટલી બનાવવાનો વેપાર કરે છે. જમાલપુરમાં ઘણી જગ્યાએ રોટલીઓ બનાવવામાં આવે છે અને અહીંયા રોટલી વેચવાનું કામ થાય છે, અહીંની રોટી ખરીદવા દૂર-દૂરથી લોકો આવે છે.
તેમનું કહેવું છે કે, દરરોજ અમે 500 થી 600 રૂપિયા રોટી બનાવીને કમાણી કરીએ છીએ, અહીંની મહિલાઓ રોટી બનાવીને પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે. એટલું જ નહીં રોટલીની કમાણીમાંથી જ દીકરા-દીકરીઓના લગ્ન અને બાળકોના અભ્યાસ સુધીનો ખર્ચ પણ આ વેપાર થકી શક્ય બન્યો છે.