ભુજ: આપણા દેશમાં મનોરંજન માટે જાદુ કલાએ પ્રાચીન યુગથી ચાલી આવતી કળા છે. સામાન્ય રીતે લોકો જાદુ મનોરંજન માટે જોતા હોય છે. પરંતુ હાલના આધુનિક યુગમાં સિનેમા, ટી.વી, મોબાઇલ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી મનોરંજન માટે અન્યો સુવિધાઓ ઉભી થઈ ગઈ છે. ત્યારે કચ્છનો 24 વર્ષીય ક્રેનિલ ખત્રી નામનો યુવાન ભુજના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં ભીડ હોય ત્યાં લોકોના મનોરંજન માટે પતા અને માઈન્ડ રીડિંગ કરે છે, અને લોકોને આકર્ષે છે.
કચ્છના યુવાનની કળાની કમાલ
જાદુ કળાએ ભારત દેશની પ્રાચીન અને અને ઐતિહાસિક કળા છે. જાદુ કળા એટલે તંત્ર,મંત્ર, ભૂત, પ્રેત નથી હોતી પરંતુ જાદુ તો હાથની સફાઇ હોય છે. કચ્છના 24 વર્ષીય યુવાન ક્રેનિલ ખત્રીએ આજે પણ પોતાની મેજિક ટ્રિક્સ સાથે જાદુ કળાને જીવંત રાખી છે અને ભુજના કેફે, પાર્ક, વોકિંગ ટ્રેક, વિવિધ ફંકશનોમાં કાર્ડ અને માઈન્ડ રીડિંગ કરીને જાદુ બતાવે છે અને લોકોને આશ્ચર્યચકિત કરી દે છે અને તેના મેજિક ટ્રિક્સના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, અને લાખોમાં વ્યૂઝ આવી રહ્યા છે.
શિક્ષક અને મેજિશિયન
ભુજનો યુવાન ક્રેનિલ ખત્રી કે જે વ્યવસાયથી મુન્દ્રાની એક શાળામાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવે છે, અને સાથે સાથે તેણે પોતાના અન્ય પ્રોફેશન તરીકે મેજિશિયન તરીકેનો રોલ પણ અપનાવ્યો છે, સાથે જ તેને તબલા વગાડવાનો અને સંગીતનો પણ શોખ છે. ક્રેનિલ છેલ્લા 8 વર્ષથી કાર્ડ મેજિક કરે છે અને છેલ્લાં 4 વર્ષથી તે પ્રોફેશનલ રીતે મેજિક કરી રહ્યો છે.
બહેન સાથે પ્રથમવાર ટ્રીક કરીને ત્યાર બાદથી પ્રોત્સાહન મળ્યું
ક્રેનિલ જ્યારે 11માં ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે તેણે સોશિયલ મીડિયા પરથી એક કાર્ડ મેજીકની ટ્રિક શીખ્યો હતો અને તેણે તે ટ્રીક પોતાની બહેન સાથે કરી હતી અને આ ટ્રીક જોયા બાદ તેની બહેનનો પ્રતિભાવ આશ્ચર્યચકિત જેવો રહ્યો હતો અને તે જોઈને ક્રેનિલે બીજી અન્ય ટ્રીક શીખી હતી અને ત્યારથી તેને મેજિક કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. આ ઉપરાંત તે નવી નવી ટ્રીક્સ શીખતો ગયો અને પોતાના પરિવારજનો અને મિત્રો સાથે તે ટ્રીક્સ કરતો ગયો અને શાળા - ટ્યુશનમાંથી તેને પ્રોત્સાહન મળતું ગયું અને આ મેજિકના ફિલ્ડમાં તે આગળ વધતો ગયો.
મેજિકને એન્ટરટેઈન્મેન્ટના ફોર્મ તરીકે અપનાવવાનો પ્રયાસ
આજના આધુનિક યુગમાં લોકોની દૃષ્ટિ પણ મેજિક પ્રત્યે બદલાતી જાય છે, અગાઉ ટોપીમાંથી કબૂતર કાઢવું, છત્રી કાઢવી અને એવા અનેક જાદુઓ ચાલતા હતા જ્યારે હવે મોડર્ન મેજિક ટ્રીક્સ આવી ગઈ છે.જેમાં હવે મેન્ટાલીઝમ એટલે કે માઈન્ડ રીડિંગ જેવા ફિલ્ડ પણ આવી ગયા છે. જેને લોકો હવે એન્ટરટેઈનમેન્ટની રીતે જોવે છે. અગાઉ લોકો જાદુને માત્ર અંધશ્રદ્ધાની રીતે જોતા હતા પરંતુ આવનારા સમયમાં મેજિકને મનોરંજનના ફોર્મ તરીકે અપનાવવામાં આવશે.
ક્રેનિલ કાર્ડથી અને માઈન્ડ રીડિંગથી કરે છે વિવિધ ટ્રીક્સ
ક્રેનિલ કાર્ડથી વિવિધ પ્રકારની ટ્રીક્સ કરે છે, જેમાં હાથની સફાઈ હોય છે, અને લોકો વિવિધ ટ્રીક્સ જોઈને અચંબિત થઈ જતા હોય છે. જેમાં મેથેમેટિક્સને લઈને, સેલ્ફ વર્કિંગ અને સ્લાઈટ ઓફ હેન્ડની ટ્રીક્સ કરે છે, તો સાથે જ માઈન્ડ રીડિંગ પણ કરે છે. મેન્ટાલીઝમ પણ એક પ્રકારનું આર્ટ છે જેમાં નંબર કોડિંગ, નામનો અંદાજ લગાડવો, કોઈના ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ક્રશના નામ રીડ કરવા, કોઈના મોબાઈલના ફોનલોકના નંબરનો અંદાજ લગાડવો વગેરે જેવી ટ્રીક્સ કરવામાં આવે છે જે એક પ્રકારનું ઇલ્યુઝન છે સાચો માઈન્ડ રીડ કરવું શક્ય નથી.
ભુજ શહેરમાં મિત્રો સાથે સ્ટ્રીટ મેજિક ચાલુ કર્યું
ક્રેનિલના સ્ટ્રીટ મેજિકના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે ત્યારે ક્રેનિલ પોતાને ઇનફ્યુલેન્સર તરીકે નથી માનતો પરંતુ પોતાને એન્ટરટેનર જ માને છે.તે જણાવે છે કે મેજિકના વીડિયો બનાવવાની શરૂઆત તેણે કોઈને ઇન્ફ્લયુએન્સ કરવાની રીતે શરૂ નહોતુ કર્યું.માત્ર લોકોને મનોરંજન કરવા માટે જ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું અને ગુજરાત અને કચ્છમાં સ્ટ્રીટ મેજિકનું ચલણ ખૂબ ઓછું છે ત્યારે ભુજ શહેરમાં તેણે સ્ટ્રીટ મેજિક ચાલુ કરવાનું વિચાર કર્યો અને પોતાના મિત્રો અને ટીમ સાથે તેણે ચાલુ કર્યું અને સોશિયલ મીડિયામાં તેના વીડિયો વાયરલ થતા ગયા.
સોશિયલ મીડિયાના કારણે લોકોની અંદર મેજિક ટ્રીક્સ બાબતે જાગૃતિ આવશે
જ્યારે ક્રેનિલ સ્ટ્રીટમાં મેજિક કરવા જતો હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રથમ નજરે કેમેરા જોઈને જાદુ કરવાની ના પાડી દે છે.પરંતુ અનેક લોકોએ જાદુની ટ્રીક્સ જોઈને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અને તેમના ચેહરા પરના હાવભાવ જોઈને ખૂબ આનંદ થાય છે.સોશિયલ મીડિયાના કારણે લોકોની અંદર આ મેજિક ટ્રીક્સ બાબતે જાગૃતિ આવશે અને લોકો ધીરે ધીરે અપનાવશે.
મોટી ઉંમરના લોકો સાથે કરેલ મેજિક ટ્રીક્સનો વીડિયો 28 લાખ લોકોએ જોયો
ક્રેનિલ પોતાના સારા અનુભવો પૈકીનો એક અનુભવ જણાવતા જણાવે છે કે, એક વખત માધાપરમાં સાંજના સમયે બગીચા પાસેના ઓટલા પર મોટી ઉંમરના લોકો પત્તા રમી રહ્યા હતા, ત્યારે ક્રેનિલ જાદુ કરવા પોતાના મિત્રો સાથે કેમેરા લઈને પહોંચ્યો હતો ત્યારે પત્તા રમતા લોકોને એવું થયું કે પોલીસવાળા આવ્યા છે, રેડ પડી છે અને વીડિયો ઉતારી રહ્યા છે, તેથી તેઓ આમતેમ ભાગવા લાગ્યા હતા, ત્યારબાદ ક્રેનિલ અને તેના મિત્રોએ લોકોને સમજાવ્યા હતા અને ક્રેનિલે જ્યારે પોતાની મેજિક ટ્રીક્સ બતાવી હતી ત્યારે લોકોને ખૂબ મજા પડી હતી અને તે વીડિયો સોશિયલ મીડિયામાં 28 લાખ લોકો સુધી પહોંચ્યો હતો.
શ્રાવણ માસમાં પતા રમવા માટે લોકો કરે છે ઓફર
આ ઉપરાંત ક્રેનિલ જ્યારે પતાની અવનવી ટ્રીક્સ જાણે છે, અને આ પત્તાની ટ્રીક્સ થી લોકોને અચંબિત કરી દે છે, ત્યારે લોકો ક્રેનીલને શ્રાવણ માસ દરમિયાન પત્તા રમવા તેમજ વિવિધ જગ્યાએ ચાલતી ક્લબો તેમજ ગોવાના કશીનોમાં સાથે જઈને પત્તા રમવા તેમજ પાર્ટનરશીપ કરવા માટે જણાવતા હોય છે. જેનો ક્રેનિલ મજાક ઉડાવીને જણાવે છે કે તેની બુકિંગ વર્ષ 2030 સુધી ફૂલ છે. પરંતુ હકીકતે ક્રેનિલ ક્યારેય પણ કાર્ડ્સ મારફતે ચિટિંગ કે એવું કંઈ કરતો નથી. આ ઉપરાંત ક્રેનિલને ક્યારેક લોકો મેજિક ટ્રીક્સ શીખાવવા માટે નડી રહેતા હોય છે, ત્યારે ક્રેનિલ નાની નાની એક બે સરળ ટ્રીક્સ શીખવતો હોય છે.
મેજિકમાં ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ
ક્રેનિલ આમ તો પોતાના શિક્ષક તરીકેના વ્યવસાયમાં પણ વ્યસ્ત રહેતો હોય છે, પરંતુ મેજિક શો પણ તે પ્રોફેશનલ રીતે કોઈ ઇવેન્ટ્સ કે કાર્નિવલ દરમિયાન કરતો હોય છે, ત્યારે બન્ને વર્ક લાઇફ તે બેલેન્સ કરે છે અને બંનેમાં સંઘર્ષ તો રહેતો જ હોય છે, તેવું તેણે જણાવ્યું હતું ઉપરાંત મેજિકમાં ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ હોવાની વાત પણ ક્રેનિલે કરી હતી.