અમરેલી: સાવરકુંડલાની મધ્યમાંથી નાવલી નદી પસાર થાય છે. આ નાવલી નદી સાવર અને કુંડલા બંને ગામોને અલગ પાડે છે અને આ નદી ઐતિહાસિક નદી છે. રજવાડાના સમયમાં સાવર અને કુંડલા બંને નાના નગર હતા અને જે વચ્ચેથી મધ્યમાંથી આ નદી પસાર થાય છે. જોકે આજના સમયમાં આ નાવલી નદીની સ્થિતિ ખૂબ જ દયનિય બની ગઈ છે. નદીમાંથી ગટરના ગંદા પાણી વહેતા દેખાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે હવે રાજ્ય સરકાર દ્વારા નદી ફરીથી વહેતી કરીને તેના પર રિવરફ્રન્ટ બનાવવાની તજવીજ શરૂ કરાઈ છે.
શું છે નવલી નદીનો ઈતિહાસ?
નદીના ઈતિહાસ વિશે સ્થાનિક મહેબૂબભાઈ કાદરીએ જણાવ્યું કે, સાવરકુંડલા વિસ્તાર શાસક સુમેશર કોટીલાજી હતા ત્યારનો છે અને કુંડલા એક નાનું નગર નહીં પરંતુ નેહડો હતો. સાવરકુંડલામાં એક સાથે 21 જાન આવતી હતી ત્યારે પાણીનો ખૂબ જ પ્રશ્ન થયો હતો. સુમેસર કોટીલા અધ્યામિક હતા જેથી મોટી સંખ્યામાં લોકો સુમેસર કોટીલાજી પાસે ગયા હતા અને જણાવ્યું હતું કે, ખુબજ મોટી સંખ્યામાં માણસો જાન-લગ્નમાં આવવા છે, પરંતુ પાણી નથી અને નદી સુકાઈ ગઈ છે જેવી વાત રજૂ કરવામાં આવી હતી.
સુમેસર કોટીલાજી માતાજીના ઉપાસક હતા. જેથી ખોડિયાર માતાજીના મંદિરે 3 દિવસ ઉપાસના કરવા બેઠા હતા. પરંતુ પોતાને લાગ્યું કે, આનું કઈ પરિણામ નહીં મળે જેથી પોતે આત્મવિલોપન કરવાની તૈયાર કરી હતી. ત્યારે એક ક્ષણ માતાજી બોલતા હોય તેવો ભાસ થયો. જે મુજબ, 'સુમેસર કોટીલા હું તારા ઉપર પ્રસન્ન છું. તારા પ્રશ્ન હું ઉકેલું છું. તારી ઘોડી ચલાવ અને પાછળ ન જોતો આગળ ધૂળ હશે ને ઘોડા પાછળના પગે પાણી હશે, અને નદી કાયમ અખંડ રહેશે.' આથી સુમેસર કોટીલાએ ઘોડી ચલાવી હતી અને આગળમાં પગે રેતી હતી જ્યારે પાછળના પગે પાણીના છબછબિયાં થતા હતા. જ્યાં સુમેસર કોટીલાએ પાછળ જોયું ત્યાં પાણીનો પ્રવાહ સમાઈ ગયો હતો અને મૂળ સ્થાન અને પૂર્ણ થાય ત્યાં બને સ્થળ ઉપર માતાજીના મંદિર આવેલા છે. જે એક ઐતિહાસિક ઘટના હતી.
તમામ નદીથી ઉલ્ટી દિશામાં વહે છે નવલી નદી
નવલી નદીનું પાણી જોગીદાસ ખુમાણે અગતાર કર્યું હતું. જ્યાં સુધી કુંડલા ન મળે ત્યાં સુધી પાણી અગરાત કર્યું હતું. સાથે જ નવલી સર્વ ધર્મનું એક અનોખું પ્રતીક છે. અહીં પીર પેગમ્બર સાધુ સંતો અને વીર પુરુષનું ઉગમ સ્થાન નવલી નદીના બને કાંઠા છે. નવલી ઐતિહાસિક નદી છે. નવલી નદીનો પ્રવાહ ખૂબ જ અલગ ચાલે છે. નવલી નદીના વહેણ ઉલટા ચાલે છે. તમામ નદી દરિયા વિસ્તારમાં તરફ જાય છે જ્યારે આ નદી ઉલટી ચાલે છે.
નાવલી નદી પર બનશે રિવરફ્રન્ટ
નદીની સ્થિતિ વિશે ETV Bharat Gujarat દ્વારા સાવરકુંડલા પાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરમિયાન તેમણે જણાવ્યું કે, હાલ નાવલી નદીમાં રિવરફ્રન્ટ બનાવવા માટેની તજવીજ ચાલુ છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે અને આગામી સમયમાં નવલી નદી સ્વચ્છ દેખાશે અને નગરજનોને વધુ એક સારી સુવિધા મળશે. નવલી નદીમાં હાલ ગટર ચાલી જાય છે, જેનું કામ કાજ ચાલુ છે અને ટૂંક સમયમાં રિવરફ્રન્ટ બનશે.
આ પણ વાંચો: