ગાંધીનગરઃ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ તેમને સમજાવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. જામનગરના ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના પ્રભારી સાવલી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં 1 કલાકની બેઠક બાદ તેમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. કેતન ઈનામદારે ગાંધીનગર પહોંચીને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. ચર્ચાઈ રહ્યું છે કે, હર્ષ સંઘવીના પ્રયાસથી મામલો આખો મામલો શાંત પડ્યો.
કેતન ઈનામદારનું નિવેદનઃ આ આખા પોલિટિકલ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કેતન ઈનામદારે નિવેદન આપ્યું છે. ઈનામદારે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 01:30 કલાકે મેં મારું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને ઈમેલ દ્વારા મોકલી આપ્યું હતું. મેં અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ મોવડી મંડળને જાણ કરી હતી. મોવડી મંડળે મારો સંપર્ક કરીને મારી તકલીફો જાણવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મારી સાથે ચર્ચા કરી હતી. મારી વેદના મેં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને જણાવી હતી. સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે પણ વાત થઈ હતી. આ ત્રણેયે મને દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. મોવડી મંડળ સાથે ચર્ચા કરીને મને સંતોષ છે. તેથી હવે હું મારું રાજીનામું પરત ખેંચું છું.
વિધાનસભા ચૂંટણી 2027 અંગે નિવેદનઃ કેતન ઈનામદારે આગામી વિધાનસભા ચૂંટણી 2027 પર પણ નિવેદન આપ્યું હતું. કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી 2027 હું લડવાનો નથી. વિધાનસભામાં મારી 3 ટર્મ પૂર્ણ થઈ છે. મારો પ્રયાસ હંમેશા મારા વિસ્તારના કામ ઝડપથી થાય તેવો રહ્યો છે. મારા કાર્યકાળમાં મારા વિસ્તારના તમામ કામો પૂર્ણ થાય તેવી મારી લાગણી છે.
મહી વિયર પ્રોજેક્ટઃ મહી વિયરનું કામ અટવાતા મેં રાજીનામું આપ્યું હતું. મહી વિયર પ્રોજેકેટ 450 કરોડ રુપિયાનો છે. આચાર સંહિતાને કારણે મહી વિયરનું કામ 3 માસથી અટકી ગયું છે. બાદમાં ચોમાસાના 3 માસ પણ કામ નહીં થઈ શકે. આમ, આ પ્રોજેક્ટ 7થી 8 મહિના લેટ થશે. 2027 અગાઉ આ પ્રોજેક્ટ પૂર્ણ ન થવાને કારણે મારા મનમાં ડૂમો હતો.
રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા રાજકીય હડકંપઃ વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટને 3જી વખત લોકસભા ટિકિટ મળતાં વડોદરા ભાજપમાં હડકંપ મચ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા ડૉ. જ્યોતિ પંડ્યાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી નારાજ થઈને અચાનક સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ઈમેઈલથી વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું હતું. ત્યારબાદ હવે કેતન ઈનામદારને મનાવવામાં ભાજપ સફળ રહ્યું છે. 3જી વાર ટિકિટ મેળવવામાં સફળ થયેલા સાંસદ રંજનબેન ભટ્ટની ટિકિટ કપાશે કે નહીં તે અંગે ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.