Surat: કારેલી ગામે ઓરિસ્સાથી ગાંજો લાવી પડીકી બનાવી છૂટક વેચાણ કરતા ઇસમને પોલીસે ઝડપી લીધો - ganja from Orissa and made Padiki
સુરતના કારેલી ગામે ઓરિસ્સાથી ગાંજો લાવી પડીકી બનાવી છૂટક વેચાણ કરતા ઇસમને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે આ ગુનામાં આરોપી પુત્રને દબોચી કુલ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબજે લઈ ગાંજો મંગાવનાર માતાને વોન્ટેડ જાહેર કરી છે.
Published : Feb 15, 2024, 7:53 PM IST
સુરત: ઓલપાડ તાલુકાની ઈન્ડસ્ટ્રીઝમાં કામદારોને પડીકીમાં ગાંજાનું, વેચાણ કરતી ઓરિસ્સાવાસી ગેંગ ફરી સક્રિય બની છે. સુરત જિલ્લા એસ.ઓ.જી. પોલીસ ટીમે તાલુકાના કારેલી ગામની રેસિડેન્સીમાંથી રૂ. 1.39 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે આ ગુનામાં આરોપી પુત્રને દબોચી કુલ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબજે લઈ ગાંજો મંગાવનાર માતાને વોન્ટેડ જાહેર કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરત જિલ્લા એસ.ઓ.જી. શાખાની પોલીસ ટીમ ઓલપાડ તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે અ.હે. કો.ગિરિરાજસિંહ તથા હે.કો.રણછોડ કાબાને બાતમી મળી હતી કે, કારેલી ગામની સીમમાં મધુવન રેસિડેન્સીના મકાન નં. ૧૭૬માં એક ઈસમ ગાંજાનો વેપલો કરી રહ્યો છે. જેથી પોલીસની ટીમે છાપો મારી મકાનમાંથી 13.906 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો કિંમત રૂ. 1.39 લાખ સાથે મૂળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાનો વતની અને હાલમાં આ મકાનમાં રહેતો ગણેશ કુના બહેરાને દબોચી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો ઉપરાંત 1 મોબાઈલ કિં. રૂ. 10 હજાર તથા રોકડા રૂ. 750 મળી કુલ રૂ. 1.50 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા છ મહિનાથી સાયણ સુગર રોડ પર આવેલ સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગાંજાના જથ્થાનું વેચાણ કરે છે. આ જથ્થો તેની માતા પુષ્પાંજલિ ઓરિસ્સાના ગંજામ ખાતેથી લઇ આવે છે અને ગાંજાની પડીકીઓ બનાવી મને આપે છે. જેથી પોલીસે ગાંજાનો જથ્થો લાવનાર તેની માતા પુષ્પાંજલિ બહેરાને વોન્ટેડ જાહેર કરી બન્ને મા-દીકરા વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લા SOG પીઆઈ બી.જી ઈશરાનિએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે અમારી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ઓલપાડના કારેલી ગામેથી આ ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે.હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.