વલસાડ: જિલ્લામાં 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 6 તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 3 ઇંચ જેટલો પડ્યો છે. વહેલી સવારથી પડી રહેલા વરસાદને કારણે વલસાડ જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહી રહી છે. ઔરંગા નદી ભયજનક સપાટી પર પહોંચી જતા નિચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. ઔરંગા નદીનો બ્રિજ બંધ કરાયો છે.
સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી અઢી ઇંચ વરસાદ: વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે જિલ્લામાં આજે વહેલી સવારે 6:00 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધીમાં 6 જેટલા તાલુકામાં સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ તાલુકામાં 2 ઇંચ, ધરમપુર તાલુકામાં 3 ઇંચ, પારડી તાલુકામાં 2 ઇંચ, કપરાડા તાલુકામાં 3 ઇંચ, ઉમરગામ તાલુકામાં 1 ઇંચ, અને વાપી તાલુકામાં 2 ઇંચ આમ કુલ 2.6 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં વરસ્યો છે.
ઔરંગા નદી ભયજનક સપાટી ઉપર પહોંચી: વલસાડ શહેરથી પસાર થતી ઓરંગા નદી 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે બંને કાંઠે વહી હતી. જેને પગલે ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી ઉપર પહોંચી જતા સતર્કતાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કૈલાસ રોડ ખાતે આવેલો ઔરંગા નદીનો બ્રિજ આવાગમન માટે બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજની બંને તરફ બેરીકેટ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈપણ વાહનચાલકો ભયજનક સપાટી પર રહેતી નદીના સમયે બ્રિજ ક્રોસ કરીને શકે છે.
નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ: વલસાડના ઔરંગા નદીની નજીક રહેતા નીચાણવાળા ક્ષેત્ર તરિયવાડ પીચિંગ તેમજ દાણા બજાર સહિતના વિસ્તારોને નગરપાલિકાના ફાયરના વાહન દ્વારા સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેથી કરીને નદીનું જળસ્તર વધે ત્યારે લોકો નદીના પાણીથી દૂર રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તે માટે તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા સાયરન વગાડી નીંચાણવાળા ક્ષેત્રમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
વલસાડ શહેરના બેચર રોડ ઉપર ઘરોમાં પાણી ભરાયા: 24 કલાક સુધી પડેલા ભારે વરસાદને કારણે અનેક નીંચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેમાં વલસાડ પાવર હાઉસ બેચર રોડ પાસે માનસી પેટ્રોલ પંપની પાછળના ભાગમાં આવેલા 4થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોને વિવિધ વાસણો કે અન્ય ચીજો વડે વરસાદી પાણી બહાર કાઢવાની ફરજ પડી હતી. વરસાદી પાણી ફરી વળતા ઘરના સામાનને નુકસાન પહોંચ્યું હતું.
મોસમનો કુલ વરસાદ 72 ઇંચ ઉપર પહોંચ્યો: વલસાડ જિલ્લાને ગુજરાતનું ચેરાપુંજી ગણવામાં આવે છે. અહીં 100 ઇંચ કરતાં પણ વધુ વરસાદ દર વર્ષે ચોમાસા દરમિયાન નોંધાય છે. જોકે આ વર્ષે વરસાદના બીજા રાઉન્ડ પૂરો થતા અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ કુલ 72 ઇંચ ઉપર પહોંચ્યો છે. જ્યારે સૌથી વધુ વરસાદ અત્યાર સુધીનો કપરાડા તાલુકામાં 81 ઈંચ જેટલો પહોંચ્યો છે.
વલસાડ જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહી: વલસાડ જિલ્લામાં વહેતી ઔરંગા, પાર નદી, કોલક નદી, દમણગંગા નદી, તેમજ ધરમપુર વિસ્તારમાં આવેલી તાન અને માન નદી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તમામ નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. નદીઓમાં નીર આવતા નદીઓ બંને કાંઠે વહી હતી. જેના કારણે આ નદીઓ ઉપર બનેલા નાના નાના મોટા બ્રિજો ઉપરથી નદીના પાણી પરિવર્તતા કેટલાક કોઝવે ડુબી ગયા હતા. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ જવા પામ્યા હતા. આ વલસાડ જિલ્લામાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં જિલ્લાને ઘમરોળ્યું હતું.