સુરત: ઓલપાડના પરીયા ખાતે આવેલા શુકન બંગલો ખાતે રહેતા 52 વર્ષીય પારસ બ્રહ્મકુમાર ઠાકર કર્મકાંડ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની જીજ્ઞાબેન, 28 વર્ષીય પુત્રી આયુષી, 26 વર્ષીય પુત્રી શીના તેમજ 24 વર્ષીય પુત્ર મિત છે. પારસ ઠાકરની મુલાકાત વેલંજાના દુર્ગા સર્વિસ સ્ટેશન ખાતે કામરેજના રહીશ અને વેલંજાના એમટીસી બિલ્ડીંગમાં આવેલી 34 થી 36 નંબરની દુકાનમાં મજીઠીયા ઓવરસીઝવાળા પીન્ટુ પ્રવીણકુમાર મજીઠીયા સાથે થઈ હતી. પુત્ર મિતે બીએસસી નર્સિંગ અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યારબાદ સ્કીલ વર્કિંગ વીઝા માટે યુ.કે જવાનું હોય તેમને વાત કરી હતી. વિઝાના નામે થતી ફ્રોડની ઘટના વિશે કહેતા પીન્ટુએ પોતાના પર ભરોસો રાખવા સહિત સો ટકા વિઝાનું કામ કરી આપવાની વાત કરી હતી.
ગત 31 જુલાઈના રોજ પારસ ઠાકર પુત્રી, જમાઈ સહિત તમામ પરિવાર સાથે પીન્ટુ મજીઠીયાની ઓફિસે ગયા હતા. પુત્રના ડોક્યુમેન્ટ અનુસાર તેને વિઝા મળી જવાનો દિલાસો આપતા પુત્રી શીના ના ખાતામાંથી વિઝા ફી પેટે ₹.2 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. થોડા દિવસ બાદ વિઝા પ્રોસેસ કરતા 105 દિવસમાં વિઝા મળવા સહિત કામ પૂરું ના થાય તો એક મહિનામાં રકમ પરત આપવાની લેખીતમાં બાહેધરી આપી હતી. પુત્રી શીના,પુત્ર મિત તેમજ પારસ ઠાકરે ફરી ₹.1.72 લાખ આપ્યા હતા. ફરી અન્ય પ્રોસેસ માટે ₹54 હજાર આપ્યા હતા.જાન્યુઆરી 24 માં વિઝા આપવાની સમય મર્યાદા પૂર્ણ થતાં પુત્રનો સીઓએસ લેટર આવી જશે એવી હૈયા ધરપત આપતા 15 મી એપ્રિલના રોજ હાફોડસ કેર ઓર્ગેનાઇઝેશન ઇંગ્લેન્ડ નામનો સીઓએસ લેટર પકડાવી બાકીની વિઝા ફી પેટેના 6.27 લાખ 23 એપ્રિલ સુધીમાં રોકડા ખાતામાં જમા કરી કુલ ₹.10.53 ચૂકવી દીધા હતા. પીન્ટુ મજીઠીયાએ આપેલા સીઓએસ લેટરની તારીખ 27 મે સુધીમાં નોકરી શરૂ કરવાની હોય પ્રોસેસ પૂર્ણ કરવા કહેતા અવાર નવાર બહાના બનાવી કોઈ કામગીરી કરી ન હતી અને રકમ પણ પરત નહી કરતા ઓફિસે મળવા જતા વિઝાની પ્રોસેસ નથી થવાની અને પૈસા પણ પરત આપવાનો નથી કહી પોતાનો ભાઈ પ્રેસમા હોય થાય તે કરી લેવા સહિત ફોન અથવા ઓફિસે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનેલા પારસ ઠાકરે કામરેજની સર્જન રેસી.ઘર નંબર 110 ખાતે રહેતા પીન્ટુ પ્રવીણકુમાર મજીઠીયા વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે તેની અટક કરી હતી.
કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓ.કે જાડેજાએ જણાવ્યું હતું કે, કામરેજ પોલીસ મથકે મળેલ ફરીયાદને લઇને પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાના આરોપીને ઝડપી લીધો હતો.અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જે પણ લોકો ભોગ બન્યા છે તેઓ તુરત પોલીસ મથકે ફરિયાદ આપે એવી અપીલ કરવામાં આવી છે.