કોડીનાર: શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો વરસાદ પડવાને કારણે સમગ્ર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળતા હતા. ચોમાસુ હવે વિદાય લઇ રહ્યું છે.
આવા સમયે વરસાદના અંતિમ નક્ષત્ર એવા ચિત્રા નક્ષત્રમાં ધોધમાર વરસાદ પડતા આકરી ગરમી માંથી લોકોને છુટકારો મળ્યો હતો, પરંતુ જે રીતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.
કોડીનાર શહેરમાં અચાનક પડેલા વરસાદને કારણે કોડીનાર શહેરના હાર્દ સમા વિસ્તારો જેવા કે છારા જાપા, જનતા ચોક, પાણી દરવાજા, પણાદર રોડ, એસ.ટી બસ સ્ટેશન વિસ્તાર અને પાછળનો ભાગ તેમજ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં પણ વરસાદી પાણી ભરાય હતા.
અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણીમાં કેટલાક વાહનો બંધ પડી ગયેલા પણ જોવા મળતા હતા. એક કલાક બાદ વરસાદ બંધ થતા ધીમે ધીમે વરસાદી પાણી માર્ગો પરથી ઓછા થયા હતાં.