જૂનાગઢ: શિયાળામાં સ્વેટરની સાથે રેઈનકોટ પણ રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જુનાગઢ હવામાન વિભાગે શિયાળાની ઠંડીની સાથે 25 મી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જો 25મી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદ પડે તો ત્યારબાદના દિવસોમાં ફરી એક ઠંડીનો નવો રાઉન્ડ આવી શકે છે. જે લોકોના હાજા ગગડાવી નાખે તે પ્રકારનો હોઈ શકે છે.
શિયાળામાં સ્વેટરની સાથે રેનકોટ પણ રાખજો તૈયાર: પાછલા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમાં હવે 25મી ડિસેમ્બર બાદ કમોસમી વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ જે રીતે ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. તેમાં 25 મી ડિસેમ્બર બાદ જો કમોસમી વરસાદ પડે તેવી સ્થિતિમાં ફરી એક વખત 27 તારીખ કે ત્યારબાદ નવા ઠંડીના રાઉન્ડની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને કારણે શિયાળામાં સ્વેટરની સાથે રેનકોટ રાખવો પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં થઈ શકે છે.
જુનાગઢ શહેરના તાપમાનનું પ્રમાણ 10 ડિગ્રી નોંઘાયું: જુનાગઢ શહેરમાં ઠંડીના ઉતાર ચડાવને લઈને હવામાન વિભાગની પ્રયોગશાળામાં જે તાપમાન નોંધાયું છે. તેમાં સૌથી મોટો ઘટાડો અને વધારો પાછલા 48 કલાક દરમિયાન નોંધાયો છે. જેમાં શુક્રવારે દિવસનું તાપમાન 11 ડિગ્રી હતું. જેમાં 05 ડિગ્રીનો વધારો થઈને આ તાપમાન 16 ડીગ્રી સુધી પહોંચ્યું હતું. 24 કલાક પહેલા જુનાગઢ શહેરમાં ઠંડીનું એટલું પ્રમાણ જોવા મળતું ન હતું. પરંતુ આજે તેમાં 06 ડિગ્રીનો ઘટાડો થઈને દિવસનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું છે. આમ બે દિવસમાં દિવસના તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો અને બીજા દિવસે 6 ડિગ્રીનો ઘટાડો દિવસ દરમિયાન ગરમી અને ઠંડીના વાતાવરણને અનુમોદિત કરે છે.
હજુ પણ ઠંડીના નવા રાઉન્ડની શક્યતા: ગ્લોબલ વોર્મિંગને કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ જે એક સિસ્ટમ સક્રિય બની છે. તેને કારણે ઠંડી અને વરસાદની શક્યતા ઊભી થશે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે કેટલાક દિવસો સુધી આકાશમાં વાદળો જોવા મળશે.
જો આગામી દિવસોમાં વરસાદ થાય તો વરસાદ પડી ગયા બાદના દિવસોમાં ઠંડીનો એક સૌથી મોટો રાઉન્ડ આવવાની પણ શક્યતા છે. હાલ જે રીતે ઠંડીનું વાતાવરણ દિવસ અને રાત્રી દરમિયાન જોવા મળે છે. તે આગામી ચાર-પાંચ દિવસ સુધી સતત જળવાતું જોવા મળશે. જેમાં એક-બે ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા છે. પરંતુ 25મી ડિસેમ્બર બાદ જો કમોસમી વરસાદ પડે તો ત્યાર બાદના બે ત્રણ દિવસો પછી ઠંડીનો એક સૌથી મોટો અને હાજા ગગડાવી નાખે તે પ્રકારની ઠંડીનો અહેસાસ પણ થઈ શકે છે. આવી શક્યતા જુનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: