જુનાગઢ: જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં હળવો વરસાદ થઈ શકે છે, તેવી શક્યતાઓ જુનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજના દિવસે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેથી દિવસ દરમિયાન તાપ અને રાત્રિના સમયે ભેજને કારણે બફારાના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે જેને ચોમાસા પૂર્વે ની પ્રિમોન્સૂન એક્ટિવિટી તરીકે પણ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. જુનાગઢ હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસુ સમયસર આવી જશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. પરંતુ ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાના વરસાદની શરૂઆત થતા પૂર્વે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
નૈઋત્યનું ચોમાસુ આગળ વધશે: આ દરમિયાન વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડીમાં જોવા મળતું હોય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ચોમાસાના પૂર્વે જ અરબી સમુદ્રમાં પણ વાવાઝોડાનું સર્જન થતું હોય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની સાથે મે મહિનાના અંતિમ ભાગમાં તેની સીધી અસરો જોવા મળશે. પરંતુ વાવાઝોડાની આ અસરો અરબી સમુદ્રમાં નહીવત રહેશે. તેમજ કેરળ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે. બંગાળ અને અરબી સમુદ્રમાં ચોમાસાની ગતિવિધિઓ હાલ શરૂ થાય છે, જેમાં હવાનુ હળવું દબાણ કેરાલા થી મહારાષ્ટ્ર અને નોર્થ અરેબિયન શી તરફ જોવા મળે છે. ત્યારબાદ 30 મે પછી અરબી સમુદ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.