જુનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ઈકોઝોનની અમલવારીને લઈને ગેજેટ નોટિફિકેશન બહાર પડતાં જ ગીર વિસ્તારના ગામોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ આજે તાલાલા ખાતે ઇકોઝોનના કાયદાની અમલવારીને લઈને વન વિભાગના અધિકારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરતા હોવાનો સનસનીખેજ આક્ષેપ કરીને સમગ્ર મામલામાં એક નવું રણશિંગું ફુંકયું છે.
પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો સનસની ખેજ આક્ષેપ: જુનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા ઈકોઝોનની અમલીકરણને લઈને ગેજેટ નોટિફિકેશન બહાર પાડતા જ હવે સૂચિત અને સંભવિત ઇકોઝોનના કાયદાની વિરોધમાં ગીર વિસ્તારમાં ભારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ગીર વિસ્તારના ગામડાના લોકોમાં સૂચિત ઇકોઝનના કાયદા વિરુદ્ધ ભારે અસંતોષ જોવા મળે છે, જેને લઇને નોટિફિકેશન જાહેર થયાના દિવસથી જ ઠેરઠેર કાયદાની વિરોધમાં આંદોલન, ધરણા અને બેઠકો યોજાઇ રહી છે. જેમાં સામાજિક અને રાજકીય કાર્યકરો અને આગેવાનો પણ જોડાઈ રહ્યા છે તેની વચ્ચે આજે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ સમગ્ર કાયદાની અમલવારી વન વિભાગના અધિકારીઓની મેલી મુરાદને કારણે થઈ છે તેવો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો છે.
હર્ષદ રીબડીયાનો વન વિભાગ પર ગંભીર આરોપ: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વન વિભાગના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે. રીબડીયાએ માધ્યમો સાથેની વાતમાં એવો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે,'ઈકોઝોનની અમલવારીને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારને અંધારામાં રાખીને પાછલા દરવાજેથી ઇકોઝોનના સૂચિત કાયદાનું મનઘડંત કરીને કેન્દ્ર અને રાજ્યની સરકારને પણ અંધારામાં રાખીને ખેડૂતો માટે કાળા કાયદાને અમલી જામો પહેરાવવાનો હિન પ્રયાસ કરી રહ્યું છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'કાયદાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે. આગામી 60 દિવસ સુધી તમામ પક્ષના કાર્યકરો અને આગેવાનો રાજકારણ દૂર રાખીને કાયદા વિરુદ્ધ લડત ચલાવશે. 60 દિવસ બાદ ખેડૂતો ગામ લોકો અને અન્ય લોકોના વિરોધ બાદ સૂચિત કાયદાને લઈને કેવા પ્રકારનો આંદોલન શરૂ કરવું તે પણ નક્કી કરવામાં આવશે. જે રીતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને કાયદાની અમલવારીને લઈને આડેહાથ લીધા છે તે જોતા આગામી દિવસોમાં ઈકોઝોનનો વિરોધ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.'
આ પણ વાંચો: