જુનાગઢ: આજે બપોરે ત્રણ વાગે સિંહદર્શન માટેની અંતિમ સફારીની શરૂઆત થતાં જ ચાર મહિના સુધી સાસણ સફારી પાર્ક સિંહ દર્શન માટે બંધ થવા જઈ રહ્યું છે. અને વન્ય પ્રાણીઓની સંવનન ઋતુને કારણે સાસણ સફારી પાર્કને તમામ પ્રકારની પ્રવાસન ગતિ વિધિ માટે બંધ રાખવામાં આવે છે.
આજથી ચાર મહિના સુધી સાસણ સફારી પાર્ક બંધ: આજે બપોરે 03:00 વાગે સાસણ સફારી પાર્કની અંતિમ સફર શરૂ થતાની સાથે જ ચાર મહિના સુધી સિંહ દર્શન બંધ થવા જઈ રહ્યા છે. ચોમાસાના ચાર મહિના અને આ સમય દરમિયાન જંગલના રાજા સિંહ અને અન્ય વન્ય પ્રાણી ઓની સંવનન ઋતુને કારણે સાસણ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. 15 મી જુનના દિવસે એટલે કે આજે અંતિમ સફારી થવાની છે. આજના દિવસથી બંધ થયેલું સાસણ સફારી પાર્ક 16 મી ઓક્ટોબરના દિવસે ચાર મહીના બાદ પ્રથમ સફારી સાથે ફરી એક વખત સિંહ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ સમય દરમિયાન સાસણ નજીક આવેલું દેવડીયા સફારી પાર્ક બુધવારને બાદ કરતા તમામ દિવસોમાં સિંહ દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવે છે.
દર વર્ષે પ્રવાસીની સંખ્યામાં વધારો: પાછલા કેટલાક વર્ષો દરમિયાન દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ અને નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સાસણ સફારી પાર્કના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામે વિગતો આપતા જણાવ્યું છે કે, કોરોના પૂર્વે સાસણ સફારી પાર્કમાં પાંચ લાખ સરેરાશ પ્રવાસીઓ વર્ષ દરમિયાન મુલાકાતે આવતા હોય છે. આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, વર્ષ 2021-22 માં 5,10,000 લોકો, વર્ષ 2022-23 માં 7,90,000 લોકો અને વર્ષ 2023-24 માં 8,80,000 જેટલા પ્રવાસીઓએ સાસણ સફારી પાર્કની મુલાકાત લઈને સિંહ દર્શન કરીને રોમાન્ચ અનુભવ્યો હતો.
પ્રતિ દિવસ 150 સફારી: ચોમાસાના ચાર મહિનાને બાદ કરતા 8 મહિના સુધી સાસણ સફારી પાર્કમાં પ્રત્યેક સામાન્ય દિવસોએ 150 જેટલી પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. જાહેર રજા અને તહેવારોના દિવસોમાં આ પરમિટમાં 30 નો વધારો કરીને પ્રતિ દિવસે 180 પરમિટ આપવામાં આવે છે. તમામ પરમિટ ઓનલાઇન રજીસ્ટર મારફતે જ નોંધવામાં આવે છે. દેવડીયા સફારી પાર્કની પરમીટ પણ આ જ પ્રકારે કાઢવામાં આવે છે. દેવડીયા સફારી પાર્ક બુધવારને બાદ કરતાં સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે. જે પ્રવાસીઓ ચોમાસા દરમિયાન પણ સિંહ દર્શનનો રોમાંચ અનુભવવા માંગે છે, તેમના માટે દેવડીયા સફારી પાર્ક ખુલ્લું રાખવામાં આવેલ છે.