જૂનાગઢ : પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશનું અબડમ ગબડમ સામે આવ્યું છે. એક સાંધે ત્યાં તેર તૂટે આ પ્રકારનો ઘાટ ગુજરાત કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. આજે જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ અંતે કેસરિયા કર્યા છે. ત્યારે વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપની રડારમાં હોવાનુ કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે. આજે ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે માધ્યમો સાથે પ્રેસ વાર્તા કરી હતી. ઉના પોલીસ પર ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવીને સરકારની સામે આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ તેઓને વ્યક્તિગત રાજકીય કારકિર્દીને લઈને માધ્યમો દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપવામાં પુંજાભાઈ વંશે કોઈ પ્રત્યુતર વાળ્યો ન હતો. માધ્યમો સ્પષ્ટ રીતે પૂછી રહ્યા હતા કે તેઓ ભાજપમાં જોડાવાના છે કે નહીં પરંતુ પુંજાભાઈ વંશે મગનું નામ મરી પાડ્યા વગર વાત પૂરી કરી હતી.
પાછલા કેટલાક દિવસોથી ચાલે છે વાત : પુંજાભાઈ વંશ ભાજપમાં જોડાશે તે પ્રકારની અનેક અટકળો રાજકીય ક્ષેત્રોમાં પાછલા ઘણા દિવસોથી ચાલી રહી છે. ભાજપે પણ પૂર્વ ધારાસભ્યો અને અન્ય પદાધિકારીઓની સાથે હાલના અને પૂર્વ સભ્યોને ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું છે જેની કમાન ડો ભરત બોઘરાને આપી છે. આવા સમયે માધ્યમો સાથે વાત કરી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે કોઈ પણ સ્પષ્ટ પ્રત્યુતર આપવાથી પોતાની જાતને દૂર રાખી હતી.
હજુ પણ કોંગ્રેસના અનેક હાલના અને પૂર્વ સભ્યો કરશે કેસરિયા : થોડા દિવસ પૂર્વે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી હતી. આવા સમયે અર્જુનભાઈ મોઢવાડિયા ખુદ માધ્યમોથી દૂર રહ્યા હતાં પરંતુ સોશિયલ મીડિયા X મારફતે તેઓએ આ પ્રકારની વાતનું ખંડન કર્યું હતું. પરંતુ આજે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ વર્તમાન અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સાથે પ્રેસ વાર્તામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તેઓ કોંગ્રેસમાં રહેશે કે ભાજપમાં જોડાશે તેવા સવાલોનો ખૂબ જ આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શક્યા ન હતાં. ભાજપનો ભરતી મેળો હજુ લોકસભાની ચૂંટણી સુધી સતત ચાલવાનો છે આવા સમયે કોઈ શુભ ચોઘડિયાની રાહમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીના હાલના અને પૂર્વ સભ્યો રાહ જોતા હોય તેવું આજે સામે આવ્યું છે.