જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળાનો આજે વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કરીને શિવરાત્રીના મેળાનો શુભ શરૂઆત થઈ છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતાં. ચાર દિવસ સુધી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે. પ્રાચીન પરંપરા અનુસાર મહાદેવ પર ધ્વજારોહણ કર્યા બાદ મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થતો હોય છે. શિવરાત્રીના દિવસે મધ્યરાત્રીએ મૃગીકુંડમાં નાગાસન્યાસીઓના સાહિતાન સાથે શિવરાત્રીનો મેળો પૂર્ણ થતો હોય છે.
પ્લાસ્ટિક પ્રદૂષણ ખાળવાના પ્રયાસ : ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો આ મેળામાં આવે છે ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણને લઇને આ વર્ષે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ગિરનાર પર્વત અને સમગ્ર અભયારણ્ય પ્લાસ્ટિક પ્રદુષણમુક્ત બને તે માટે રાજ્યની વડી અદાલત દ્વારા પણ આદેશ કરાયા છે. જેને લઇને પ્લાસ્ટિક ફ્રી અભિયાન જૂનાગઢ તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં હવે જૂનાગઢના યુવા કલાકારો પણ જોડાયા હતાં. ભવનાથ તળેટી વિસ્તારની દીવાલો પર પ્લાસ્ટિક મુક્ત અભયારણ્ય અને મહાશિવરાત્રી મેળો તેવા ઉદ્દેશ્ય સાથેના પેઈન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યાં છે.
ટ્રાફિક સંચાલન વ્યવસ્થા ગોઠવાઇ : તો બીજીતરફ પાંચમી તારીખે ભવનાથની ગીરી તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો શરુ થવાને લઇને મેળામાં આવતાં ટ્રાફિકનું સંચાલન થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તે મુજબ ભવનાથ તળેટીમાં વાહન પ્રવેશથી લઈને વાહનના પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે તેમજ કોઈ પણ વ્યક્તિ કે વાહન ટ્રાફિક જામમાં મેળાના ચાર દિવસો દરમિયાન ન ફસાય તે માટે આયોજન કર્યું છે. મહાશિવરાત્રીના મેળામાં ચાર દિવસ દરમિયાન દર વર્ષે અંદાજિત 15 લાખની આસપાસ લોકો આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાં આવતા લોકો વાહનો પણ સાથે લાવતા હોય છે. ત્યારે વાહનો કોઈ પણ પ્રકારની ટ્રાફિક જામની કે અન્ય મુશ્કેલી ન સર્જે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી આયોજન કર્યું છે અને નિર્ધારિત સ્થળે વાહનોના પ્રવેશથી લઈને પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે.