જૂનાગઢઃ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહ્યું છે. ગીરની કેસર કેરીની સીઝન હવે પૂર્ણ થઈ રહી છે. આ સમયે કેરીની આવકમાં ઘટાડો જોવા મળે છે. કેરીના પ્રતિ 10 કિલોના બજાર ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગત વર્ષ કરતા કેરીની આવક ઓછીઃ આગામી અઠવાડિયા બાદ કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ થશે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ દિવસની સરખામણીએ 10 હજારની આસપાસ 10 કિલોના બોક્સની આવક થઈ છે. આ વખતની સીઝન આવકની દ્રષ્ટિએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નબળી જોવા મળી છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે 05 લાખ 10 કિલોના બોક્સની આવક થઈ છે જે ગત વર્ષો કરતા 4 થી 5 લાખ ઓછી રહેવાની શક્યતા છે.
આવક ઘટવાથી ભાવ વધશેઃ જેમ જેમ કેરીની સીઝન પૂર્ણતા તરફ આગળ વધશે તેમ તેમ પ્રતિ 10 કિલો કેસર કેરીના બજાર ભાવોમાં વધારો થશે. છેલ્લા 4 દિવસો દરમિયાન પ્રતિ 10 કિલોના બોક્સમાં 100થી લઈને 200 સુધીનો વધારો જોવા મળ્યો છે. જૂનાગઢ એપીએમસીના સચિવ હરેશ પટેલે જણાવ્યું હતું કે, પાછલા વર્ષો દરમિયાન નીચામાં 400 અને ઊંચામાં 550 રૂપિયા સુધીના બજાર ભાવો બોલાયા હતા. આજના દિવસે નીચામાં 800 અને ઊંચામાં 1150 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો છે. જે પણ પાછલા વર્ષોની સરખામણીએ સૌથી વધુ માનવામાં આવે છે. ઉત્પાદન ઘટવાની સાથે તેની સીધી અસર બજાર ભાવો પર થઈ રહી છે. જેને કારણે ખેડૂતોને બજાર ભાવોની દ્રષ્ટિએ કેરીનું ઉત્પાદન ઓછું થયું હોવા છતાં પણ ફાયદો થઈ રહ્યો છે.