જૂનાગઢઃ ગીર બાદ બરડા ડુંગર વિસ્તાર સિંહના નવા અભયારણ્ય માટે આશાસ્પદ વિસ્તાર બની રહ્યો છે. 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બરડા ડુંગર વિસ્તારમાં ફરી એક વખત સિંહની ડણક ગુંજતી થાય તે માટેના પ્રયાસો વન વિભાગ શરૂ કર્યા છે. વન વિભાગ અનુસાર વર્ષ 1879 સુધી બરડામાં સિહોની વસ્તી જોવા મળતી હતી પરંતુ ત્યારબાદ તે એકમાત્ર ગીરમાં જોવા મળે છે. હવે ફરી એક વખત બરડો ડુંગર સિંહની વસ્તીથી ગુંજતો થાય તે માટેના પ્રયાસો વન વિભાગે શરૂ કર્યા છે.
શિકાર અને શિકારીની ઘનતાઃ શિકાર અને શિકારીની ઘનતા જળવાઈ તે માટે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની હાજરી સમતોલ રહે તો જંગલની ઈકો સિસ્ટમ જળવાઈ રહે. તેથી જૂનાગઢ વન વિભાગે ગીર જંગલ માંથી 23 ચિતલ હરણને પકડીને સફળતાપૂર્વક બરડા ડુંગર વિસ્તારમાં મુક્ત કર્યા છે. વન વિભાગના ઈતિહાસમાં નોંધાયેલી વિગતો અનુસાર ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં 143 વર્ષ બાદ એક નર સિંહ સ્વયંમ બરડા ડુંગર વિસ્તારમાં જોવા મળ્યો હતો. બરડો ડુંગર સિંહોનું એક નવું નિવાસસ્થાન બની શકે છે તેને ધ્યાને રાખીને વન વિભાગે વર્ષ 2019માં બરડા વન્યજીવ અભયારણ્યની તપાસ શરૂ કરી હતી. આ વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વિશેષ જોવા મળતી હતી પરંતુ સિંહના મુખ્ય શિકાર એવા ચિતલ અને સાબર હરણોની સંખ્યા ઓછી જોવા મળતી હતી. ચિતલ અને સાબર સિંહનો મુખ્ય આહાર છે. જેને ધ્યાને રાખીને વન વિભાગે આજે 23 જેટલા ચિતલ હરણોને બરડા ડુંગર વિસ્તારમાં મુક્ત કર્યા છે.
વન વિભાગે આપી વિગતોઃ જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુએ જણાવ્યું હતું કે, બરડા ડુંગર વિસ્તારમાં સિંહોના આહાર તરીકે મુખ્ય ગણાતા ચિતલ અને સાબર હરણોની વસ્તી વધે તે માટે તેને ત્યાં સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે. બરડા ડુંગર વિસ્તારમાં સ્થળાંતર કરવા માટે બોમા ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશભરમાં આ પ્રકારે તૃણાહારી પ્રાણીઓને એક જંગલ વિસ્તારમાંથી બીજા જંગલ વિસ્તારમાં સ્થળાંતરિત કરવા માટે તેનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ ચૂક્યો છે. તે જ બોમા ટેકનિકથી ગીર જંગલ વિસ્તારમાંથી બરડા ડુંગર વિસ્તારમાં 23 ચિતલ હરણને સ્થળાંતરિત કરાયા છે.