જૂનાગઢ: મહાશિવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે. આ પર્વ નિમિત્તે મેળા ભરાય છે. પરિણામે ઘણા લોકો આ મેળામાં જાય છે અને મહાશિવરાત્રિની ઉજવણી કરે છે. આ ઉપરાંત મેળામાં સમગ્ર દેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં નાગા સન્યાસી આવતા હોય છે. કેટલાક સન્યાસીઓ અલગ વેશભૂષા અને શણગારને લઈને મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી મહાશિવરાત્રીના મેળામાં ભાવનાથ આવેલા ચંદ્રેશ્વર ભારતી નાગા સન્યાસી અખાડાની પારંપરિક પરંપરા અનુસાર તીર કામઠાના શસ્ત્ર સાથે મેળામાં સામેલ થઈ રહ્યા છે.
તીર કામઠા સાથે મહાશિવરાત્રી મેળામાં આવેલા સંન્યાસી: ભવનાથની ગીરી તળેટીમાં આદિ અનાદિ કાળથી આયોજિત થતા આવતા મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંન્યાસી અનેક સ્વરૂપમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહાશિવરાત્રીના મેળામાં ઉજજૈનથી આવી રહેલા ચંદ્રેશ્વર ભારતી ખુની નાગા સન્યાસી પારંપરિક તીર કામઠાના શસ્ત્ર સાથે મેળામાં આસન લગાવેલા જોવા મળે છે.

નાગા સન્યાસીઓ શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યામાં પારંગત હોય છે. દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેમને અખાડામાં ધર્મની સંસ્કૃતિ અનુસાર રાખવામાં આવતા શસ્ત્રો અને તેને ચલાવવાની તાલીમ પણ આપવામાં આવે છે. આ દરમિયાન નાગા સન્યાસી ચંદ્રેશ્વર ભારતી મધ્યપ્રદેશની સન્યાસી પરંપરા અને અખાડાના રીતી રિવાજ મુજબ તીર કામઠા સાથે મેળામાં આવ્યા છે.

આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા આપવામાં આવેલી વિદ્યા: હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલા અખાડા અને તેની પરંપરામાં શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યાને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. નાગા સન્યાસીઓના સંપ્રદાય પૈકી ખૂની નાગા સન્યાસી તરીકે ઓળખાતા નાગા સન્યાસીઓ તલવાર, ભાલા, તીર કામઠા જેવા શસ્ત્રો સાથે ઉત્સવમાં સામેલ થતા હોય છે. જૂના અખાડાની પરંપરા અનુસાર પણ તેઓ આ પ્રકારના શાસ્ત્રો રાખવાની સાથે તેને ચલાવવાની વિદ્યા પણ મેળવતા હોય છે.

ખૂની નાગા સન્યાસી ચંદ્રેશ્વર ભારતીના જણાવ્યા અનુસાર, જુના અખાડા દ્વારા 1857ના યુદ્ધ દરમિયાન ઝાંસીની રાણીને નાગા સાધુઓ દ્વારા શસ્ત્રો યુદ્ધ લડવા માટે આપવામાં આવ્યા હતા. આજના સમયમાં હવે નાગા સન્યાસીઓ આ પ્રકારના શાસ્ત્રો ચલાવવામાં કે તેને રાખવામાં ખૂબ ઓછા પારંગત બની રહ્યા છે, પરંતુ જે જૂની પેઢીના નાગા સન્યાસીઓ છે તે આજે પણ તેમના પરંપરાગત શસ્ત્ર અને અસ્ત્ર સાથે મહાશિવરાત્રીના મેળામાં અચૂક નજરે પડી જાય છે.
આ પણ વાંચો: