જુનાગઢ: અકબરના સમયમાં અનારકલીને જીવતી દીવાલમાં ચણાવી દઈને સલીમ અને અનારકલીના પ્રણય પર અકબરે તરાપ મારી હતી. બિલકુલ આવી જ એક ઘટના જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠેકેદારો દ્વારા જાણે કે અજાણે કરવામાં આવી છે, પાણીની પાઇપલાઇનને કોંક્રીટ બિછાવતી વખતે અહીં રાખવામાં આવેલી કચરાપેટીને પણ કોંક્રીટમાં ચણાવી દઈને ફરી એક વખત અકબરના સમયની યાદ અપાવી છે.
કોન્ટ્રાક્ટરોએ અનારકલીની અપાવી યાદ
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલા કોન્ટ્રાક્ટરોએ તેમનું બુદ્ધિનું વરવું પ્રદર્શન કર્યું, હોય તેવા દ્રશ્યો જૂનાગઢમાં સામે આવ્યા છે. કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ છેલ્લાં કેટલાક સમયથી પ્રગતિમાં છે, ત્યારે ભવનાથ વિસ્તારમાં પાણી પહોંચતું કરવા માટે ચાલી રહેલા પાઇપલાઇનના કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા અનારકલીને જીવતી દીવાલમાં ચણાવી દીધી હોય તેવા દ્રશ્યોને ફરી એક વખત જીવંત કર્યા છે.
કચરા પેટીને સિમેન્ટ કોન્ક્રીટના ચણતરમાં ચણાવી દીધી
પાઇપલાઇન નાખી દીધા બાદ માર્ગ પર દેખાતી લાઈનને કોંક્રીટથી બિછાવીને તેને સુરક્ષિત કરવાનું પણ કામ ચાલી રહ્યું છે, આવા સમયે પાઇપલાઇનની નજીક આવેલી કચરાપેટીને કોન્ટ્રાક્ટરો દ્વારા સિમેન્ટ કોન્ક્રીટના ચણતરમાં ચણાવી દઈને સલીમ અને અનારકલીના પ્રણય પર જે રીતે અકબરે તરાપ મારી હતી, બિલકુલ તે પ્રસંગનું આબેહૂબ દ્રશ્ય કોન્ટ્રાક્ટર દ્વારા ઊભું કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.
મનપાના અધિકારીઓએ કાર્યવાહી કરવાની આપી ખાતરી
સમગ્ર મામલાને લઈને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધકામના શાખાના ઈજનેર અલ્પેશ ચાવડાએ ઈટીવી ભારતને ટેલીફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલ સમગ્ર જુનાગઢ શહેરમાં પાઇપલાઇન નાખ્યા બાદ તેને સુરક્ષિત કરવા માટે સિમેન્ટ કોંક્રીટ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે, આવા સમયે કોન્ટ્રાક્ટર દ્વારા જો જે વિગતો તમે અમને જણાવી રહ્યા છે, તે પ્રકારની કોઈ ગંભીર બેદરકારી કરી હશે તો કોન્ટ્રાક્ટર સામે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી પણ કરશે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કોઈ પણ કામમાં ન થાય તે માટે સાવચેત રહેવા તમામ કોન્ટ્રાક્ટરોને તાકીદ પણ કરશે.