જુનાગઢ : ગુરુવારે જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા તેમનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. તે પૂર્વે આયોજિત થયેલી સભામાં કોંગ્રેસના સોમનાથના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક જ અવાજમાં તેઓ કોંગ્રેસમાં હતા છે અને રહેવાના તેવા પુનરોચ્ચારની વચ્ચે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ જાણે કે કોંગ્રેસથી અલગ થવાના મૂડમાં હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
વિમલ ચુડાસમાનો પુનરોચ્ચાર કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો : જુનાગઢ લોકસભા બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા એ તેમનું નામાંકન પત્ર રજૂ કર્યું છે તે પૂર્વે જૂનાગઢની દોમડીયા વાડીમાં કોંગ્રેસની સભાનુ આયોજન થયું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરોની સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા જુનાગઢ લોકસભા બેઠકના પ્રભારી વિક્રમ માડમ સહિત અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પુંજા વંશના હાવભાવ પાર્ટીથી અલગ દેખાયા : કોંગ્રેસના સોમનાથના વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પાર્ટીનો આભાર વ્યક્ત કરીને તે કોંગ્રેસમાં હતા છે અને રહેવાના તેવા પુનરોચ્ચાર સાથે આજે કોંગ્રેસને જીતાડવા માટે ઉપસ્થિત સૌ કાર્યકરોને હાકલ કરી હતી. તો બીજી તરફ ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ કોંગ્રેસથી પોતાની જાતને કંઈક અલગ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ચોક્કસ પણે પુંજા વંશ આજે ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે જેમાં પુંજા વંશના હાવભાવ પાર્ટીથી અલગ હોય તેવું સ્પષ્ટ જોવા મળતુ હતું.
ભાજપ સાથે જોડાવાની ચાલી હતી વાત : થોડા સમય પૂર્વે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ભાજપમાં જોડાશે તે પ્રકારની વાતોને વેગ મળ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડએ પણ જાહેર મંચ પરથી પુંજા વંશનું નામ લીધા વગર તેઓ ભાજપમાં આવવા માટે થનગની રહ્યા છે તેવો અનેકવાર ઉલ્લેખ કર્યો છે. પુંજા વંશને અર્જુન મોઢવાડિયાના ટેકેદાર માનવામાં આવે છે. અર્જુનભાઈ ભાજપમાં શામેલ થયા છે ને પોરબંદર બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હાલ પૂરતું પુંજા વંશનું ભાજપમાં જવાનું અટકી પડ્યું છે. પરંતુ આજની કોંગ્રેસની સભામાં પુંજા વંશના જે હાવભાવ અને બોડી લેંગ્વેજ પરથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે તેઓ કોંગ્રેસમાં હવે પોતાની જાતને અનુકૂળ માની રહ્યા નથી.