જુનાગઢ: મોંઘવારી એક પછી એક દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓ અને ખાસ કરીને ખાધ્ય ચીજ વસ્તુને પોતાનો ભોગ બનાવી રહી છે. શાકભાજીમાં ક્રમશઃ બજાર ભાવ સતત વધી રહ્યા છે એવામાં વચ્ચે ડુંગળીના બજાર ભાવ પણ પ્રતિ એક કિલો 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતોમાંથી ડુંગળીની આવક બંધ થતા બજાર ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ 1 કિલો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડુંગળીના બજાર ભાવ મા સતત તેજી: ડુંગળીના બજાર ભાવોમાં સતત તેજી જોવા મળી રહી છે, વર્તમાન સમયમાં પ્રતિ એક કિલો ડુંગળી 50 રૂપિયામાં વેચાઈ રહી છે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ડુંગળીના બજાર ભાવમાં હજી પણ તેજી જોવા મળી શકે છે. આજે જૂનાગઢની સ્થાનિક બજારમાં પ્રતિ એક કિલો ડુંગળી ₹50 ના ભાવે વેચાઈ રહી છે, જેમાં હજુ પણ 25 થી 30 રૂપિયાનો વધારો થવાની શક્યતા વર્તમાન સમયમાં જોવા મળશે. ડુંગળીની આવક મર્યાદિત થતા તેમજ અન્ય પ્રાંતોમાં ડુંગળીનું ઉત્પાદન ખૂબ નિમ્ન સ્તરે થયું છે જેને કારણે ડુંગળીનો પુરવઠો જળવાયો નથી તેની સીધી અસર છૂટક બજાર ભાવો પર પણ પડી રહી છે.
સ્થાનિક આવક પર બજારો નિર્ભર: સામાન્ય રીતે ડુંગળીનું ઉત્પાદન ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના રાજ્યો અને રાજસ્થાનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ ત્યાં પણ ઉનાળા દરમિયાન પડેલી અતિ ભારે ગરમીને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે જેને કારણે જરૂરિયાત પૂરતી પણ ડુંગળી સંગ્રહિત થઈ શકી નથી. આજે બજારમાં અન્ય રાજ્યોમાંથી આવતી ડુંગળીની સપ્લાય સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. જુનાગઢ શહેર અને જિલ્લામાં એકમાત્ર અહીંની સ્થાનિક ડુંગળીની આવક થઈ રહી છે, જેમાં પણ પ્રતિ દિવસે બજાર ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, એવામાં આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 5,000 કિલો સુકી ડુંગળીની આવક થઈ છે.
નિકાસને કારણે ભાવમાં વધારો: ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો ખેડૂત અને ગ્રાહક વર્ગ માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, તેમ છતાં દર વર્ષે ડુંગળીના બજાર ભાવો ચોક્કસ સમયે અને ઋતુમાં એકદમ ઐતિહાસિક સ્તરે જોવા મળતા હોય છે, પરંતુ અન્ય રાજ્યમાં ઉત્પાદન ઓછું હોવાને કારણે સારી ડુંગળીની નિકાસ થઈ રહી છે. નિકાસ થવાને કારણે પણ સ્થાનિક બજારોમાં ડુંગળીનો જથ્થો પૂર્વવત રાખી શકવામાં ખૂબ મુશ્કેલી ઊભી થાય છે. જેને કારણે બજાર ભાવો સતત વધી રહ્યા છે અને હાલ જૂનાગઢની સ્થાનિક બજારમાં પ્રતિ 20 કિલો ડુંગળીના બજાર ભાવ નીચામાં 400 અને ઊંચામાં 600 રૂપિયા જોવા રહ્યા છે.