રાજકોટ: ધોરાજીમાં જુનાગઢ કૃષિ વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી અને તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરાજી શહેરમાં ખેતી સાથે સંકળાયેલા જંતુનાશક દવાઓ, ખાતર તેમજ બિયારણના વિક્રેતાઓને ત્યાં આકસ્મિક ચકાસણી અને તપાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કૃષિ વિભાગની કરવામાં આવેલી આ કામગીરીમાં ઘણા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ કલેક્શન પણ કરવામાં આવ્યા હતા, અને આ મામલે કલેક્ટ થયેલા સેમ્પલની ચકાસણી અને તપાસણી પણ હાથ ધરવામાં આવી હતી .
બિયારણના વિક્રેતાઓને ત્યાં ઇન્સ્પેક્શન: આ અંગે માહિતી આપતા જુનાગઢ કૃષિ વિભાગના સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ એવા એમ.એમ. કાસુન્દ્રા એ જણાવ્યું છે કે, ખેતીવાડી વિભાગના માર્ગદર્શન અને સૂચના અનુસાર ધોરાજી શહેરમાં આવેલ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર તેમજ બિયારણના વિક્રેતાઓને ત્યાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન વિક્રેતાઓને ત્યાં ચકાસણી કરવી, તેમના માલની તપાસ કરવી અને જરૂર મુજબ તેમના સેમ્પલ પણ કલેક્ટ કરવામાં આવ્યા છે.
જુનાગઢ કૃષિ વિભાગ હરકતમાં આવ્યું: છેલ્લા અંદાજિત એક અઠવાડિયાથી રાજ્યમાં તેમજ ખાસ કરીને રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ કૃષિને લગતી ચીજ વસ્તુઓ અને ભેળસેળયુક્ત તેમજ નકલી ચીજ વસ્તુઓ ઝડપાઈ રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ કિસ્સાઓ સામે આવતાની સાથે જ જુનાગઢ કૃષિ વિભાગ હરકતમાં આવી ગયું છે. પોલીસ દ્વારા ધોરાજી શહેરમાં જંતુનાશક દવાઓ, ખાતર તેમજ બિયારણના વ્યવસાય કરતા વિક્રેતાઓને ત્યાં ચકાસણી અને તપાસણી હાથ ધરવામાં આવી છે.