સુરત: માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જન મંચ કાર્યક્રમ મા ભાજપ સરકારના નિષ્ફળ વહીવટ સામે આંકરા પ્રહારો થયા હતા. આ સમયે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા એ જણાવ્યું કે, કેન્દ્રમાં સહકાર મંત્રાલય બનાવી સહકારથી સમૃદ્ધિનું સૂત્ર આપનારા લોકોએ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલ માંડવી તાલુકાની રૂપિયા 250 કરોડની સુગર ફેક્ટરીને માત્ર 37 કરોડમાં વેચી નાખી 55000 જેટલા ખેડૂત સભાસદો સાથે વિશ્વાસઘાત કર્યો છે.
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાજનોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે જનસભાથી વિધાનસભા સુધીની રજૂઆત માટે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ, મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક, તેમજ તાલુકાના સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા વાંકલ ખાતે આવી પહોંચેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડા નુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
જન મંચ કાર્યક્રમ 40થી વધુ પ્રશ્નોની રજૂઆત થઈ હતી. જેમાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે માત્ર કોમર્શિયલ વાહનો ઉપયોગમાં લેવાનો પરિપત્ર થતા ગામડામાં કોમર્શિયલ વાહનોનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે, જે મુદ્દે રજૂઆતો થઈ હતી. ઝંખવાવ ગામે કોસંબા ઉમરપાડા રેલ્વે લાઈન અને નેશનલ હાઇવે 56 ના નિર્માણની જમીન સંપાદન પ્રક્રિયા 25 પરિવારો અસરગ્રસ્ત ગ્રસ્ત થઈ રહ્યા છે. તેમજ માડવી તાલુકાના 14 જેટલા ગામોના ખેડૂતો જમીન ગુમાવી રહ્યા છે.
GIPCL કંપની દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ નદીઓમાં કરવામાં આવી રહ્યો છે. બોરસદ દેગડીયા પાણી પુરવઠા યોજનાની જૂની લાઈન બારોબાર વેચી મારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની રજૂઆત થઈ હતી. રોજગારી આરોગ્ય ના પ્રશ્નો ગૌચરની જમીન સહિત અનેક પ્રકારના પ્રશ્નોની લેખિત રજૂઆતો કરવામાં આવી છે. આ સમયે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા એ તમામ પ્રશ્નોની સરકારમાં રજૂઆતો કરવાની ખાતરી આપી હતી. તેમજ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો તેમણે કરતા જણાવ્યું કે, દેશના તમામ લોકો ટેક્સ ભરી રહ્યા છે.અને લોકોના પૈસા ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કરી વેડફી રહી છે. ચૂપ બેસી રહેવાથી પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય લોકોએ હવે જાગૃત બની અવાજ ઉઠાવો પડશે. આ સરકારને સત્તામાંથી દૂર કરવી પડશે.
આ પણ વાંચો: