નવસારી: પાવાગઢના મહાકાળી મંદિરના જુના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાલી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી નાખવામાં આવતા જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પુરાણી પ્રતિમાઓ તોડી નાખવામાં આવતા જૈન સમાજમાં આક્રોશની લાગણી જાગી છે. નવસારીના જૈન સંતો અને જૈન સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ભેગા મળીને જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે. જેમાં પ્રતિમાઓ તોડનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે. જૈન સંતોએ આવેદનપત્ર લેવા માટે નાયબ કલેકટરને નીચે બોલાવ્યા હતા, પરંતુ તેઓ નીચે આવ્યા નહોતા અને પાછલા દરવાજેથી નીકળી જતા જૈન સમાજમાં આક્રોશથી લાગણી વ્યાપી છે. આવેદનપત્ર આપવા આવેલા જૈન સમાજના અગ્રણીઓનું આવેદનપત્ર સ્વીકાર્યા વગર ચાલ્યા ગયેલા અધિક કલેકટરના વિરોધમાં કલેક્ટર ઓફિસમાં ધરણા પર બેસી ગયેલા જૈન સમાજનો આક્રમક મૂડ પારખી ગયેલા નિવાસી કલેકટર કેતન જોશી એ પરત આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. અને રાજ્ય સરકારમાં તેમનો અવાજ પહોંચાડવા માટે બાહેધરી આપી છે.
પ્રાચીન મૂર્તિ તોડનારને યોગ્ય સજા મળે: સમગ્ર બાબતે અધિક કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, "આજ રોજ જૈન સમાજ દ્વારા પાવાગઢ ખાતે પ્રાચીન મૂર્તિ તોડવાના સંદર્ભમાં ગુનેગારોને યોગ્ય સજા મળે, પ્રાચીન મંદિરોને રક્ષા મળે, તેમજ જૈન સમાજના સાધ્વીઓ વિહાર કરતા હોય છે ત્યારે આકસ્મિક હુમલા થાય છે આથી તેમની સલામતી માટે પણ આવેદન પત્ર આપ્યું છે. તેઓની લાગણી અમે સરકાર સુધી પહોંચાડીશું."
વાસ્તવમાં ઘટના એમ બની હતી કે, જૈન આગેવાનો આચાર્ય રાખાનાસુરીશ્વરજી સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવાના હતા. પરંતુ બાદમાં જૈન અગ્રણીઓએ અધિક કલેક્ટરને નીચે આવી આવેદનપત્ર સ્વીકારવા આગ્રહ કર્યો હતો. ત્રણવાર આગેવાનો અધિક કલેકટર પાસે આગ્રહ કરવા પહોંચ્યા, પણ કલેકટરને રજા તેમજ અન્ય કામ હોવાથી કેબિનમાં આવેદન આપવા માટે સૂચન કર્યું હતું. જોકે જૈનોનો નીચે આવીને આવેદનપત્ર સ્વીકારવાની જીદ સામે કલેક્ટરે નીચે આવવાની ના પાડી હતી. "ગુરુ મહારાજના દર્શન કરીશ પણ આવેદન કેબિનમાં આવીને જ આપવો પડશે" એવી કલેકટરની અપીલ હતી. તેમ છતાં આવેદન ન અપાતા અધિક કલેક્ટરે કચેરી છોડી દીધી હતી. જેને પરિણામે સમગ્ર મુદ્દે જૈનોમાં રોષ ફેલાયો અને જ્યાં સુધી આવેદનપત્ર સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી તેઓ કલેક્ટર કચેરીમાં મૌન ધરણા કરી પર બેસશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે અંતે આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યો હતો.
આવેદન સ્વીકારી લેવામાં આવશે: જૈન સંતો દ્વારા અધિક કલેકટરશ્રને આવેદનપત્ર કચેરીમાં નીચે આવી સ્વીકારવામાં કહેવામાં આવતા તેઓ નીચે ન આવતા આવેદન સ્વીકારવા વગર ઓફિસેથી નીકળી ગયા હતા તે સંદર્ભમાં કલેકટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, "આજે રજાનો દિવસ હોય છે. પરંતુ અમે સરકારી કામ કાજ અર્થે ઓફિસમાં બેઠા હતા. જ્યારે સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ હોય કે સમાજનું આવેદન હોય તેને સ્વીકારવા માટે કલેકટર કચેરીના જાહેરનામા પ્રમાણે કલેકટર, અધિક કલેક્ટર, કે ઉપલબ્ધ અધિકારીની ચેમ્બરમાં આપવાનો જે પ્રોટોકોલ હોય છે તે મુજબ મેં તેઓને વિનંતી કરી હતી કે, તમે ઉપર આવીને આવેદન પત્ર આપો તો આવેદન સ્વીકારી લેવામાં આવશે."