ગાંધીનગર : 10મા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે ગાંધીનગરમાં તડામાર તૈયારી શરૂ થઈ છે. આ વર્ષે 'સ્વયં અને સમાજ માટે યોગ'ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં 13 આઇકોનિક સ્થળ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જિલ્લા કક્ષાનો શહેરી કાર્યક્રમ ગાંધીનગરમાં અને ગ્રામ્યનો કાર્યક્રમ કલોલ ખાતે યોજાશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગાંધીનગરમાં 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી 'સ્વયં અને સમાજ માટે યોગ'ની થીમ પર ઉજવવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં વિશ્વ યોગ દિવસે જિલ્લાના નાગરિકો સ્વયં રીતે સહભાગી બને અને યોગ નિયમિત રીતે જીવન શૈલીમાં સમાવેશ કરવાથી શું ફાયદો થાય તેની જાગૃતિ આપવા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સાથે કર્મયોગીઓ સહભાગી બન્યા છે.
13 આઇકોનિક સ્થળ પર આયોજન : ગાંધીનગર જિલ્લાના ઈ.ચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ જણાવ્યું કે, આ વર્ષે ગાંધીનગર જિલ્લામાં દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત 13 આઇકોનિક સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં અડાલજની વાવ, ત્રિમંદિર, મહાત્મા મંદિર, ડભોડિયા હનુમાન મંદિર, કંથારપુર વડ, સાંપાની વાવ, મહુડી જૈન મંદિર, અંબાપુરની વાવ, રૂપાલ વરદાયિની માતાનું મંદિર, ઇફકો કલોલ, ગલુદણની વાડી, માણસા કોલેજ અને સ્વામિનારાયણ ગુરુકુળ, કલોલનો સમાવેશ થાય છે.
2.60 લાખ નાગરિક જોડાશે : ગાંધીનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરી અને ગ્રામ્ય એમ વિસ્તારમાં અલગ અલગ થશે. જેમાં શહેરી કક્ષાનો કાર્યક્રમ સ્વર્ણિમ વિસ્ટા પાર્ક અને ગ્રામ્ય કક્ષાના સ્વામિનારાયણ ગુરુકુળ, કલોલ ખાતે યોજાશે. આમ જિલ્લામાં કુલ 1,462 સ્થળ ખાતે યોગ કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે 2.60 લાખ જેટલા નાગરિકો સહભાગી બનશે. આ કાર્યક્રમ જિલ્લાની તમામ શાળાઓ, PHC, CHC સહિત નક્કી થયેલ જગ્યાઓ પર યોજવાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના કક્ષાના શહેરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં અંદાજે 5 હજાર જેટલા અને ગ્રામ્ય કક્ષાએ અંદાજે 3 હજારથી વધુ લોકો સહભાગી બનશે.