જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં ચા દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 2005ની ૧૫મી ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં સોશિયલ ફોરમ દ્વારા ચાના વેપારી અને ચાની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને ચા સમગ્ર વિશ્વના સીમાડાઓ ઓળંગે તેવા ઉદ્દેશ સાથે 'વિશ્વ ચા દિવસ' ની ઉજવણીની શરૂઆત કરાઈ હતી જે વર્ષ 2008માં બદલીને દર વર્ષે 21 મેના દિવસે 'વિશ્વ ચા દિવસ'ની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ નિમિત્તે ચાની ચુસ્કીની રોચક સફર વિશે જાણીએ.
![સમગ્ર વિશ્વમાં ચા દિવસની ઉજવણી થઈ રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-05-2024/gj-jnd-02-tea-vis-01-pkg-7200745_21052024150340_2105f_1716284020_964.jpg)
આવી રીતે થઇ વિશ્વ ચા દિવસની શરુઆત: ચાનું નામ પડે એટલે સૌ કોઈના ચહેરા પર એક અનોખી રોનક જોવા મળે છે. જો ચા કડક અને મીઠી હોય તો કહેવું જ શું. ચાની ચુસ્કી અને તેની મીઠાશને લઈને વર્ષ 2005ની 15મી ડિસેમ્બરના દિવસે સોશિયલ ફોરમ દ્વારા ચાનું ઉત્પાદન કરતા ખેડૂતો અને તેના વેપારીઓ દ્વારા ચાના વેપારને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે અને ચાનું વેપાર વિશ્વના સીમાડાઓ ઓળંગીને દુનિયાના મોટાભાગના દેશોમાં પહોંચે તેમજ વિશ્વના લોકો ચાની ચુસ્કી લેતા જોવા મળે તેને ધ્યાને રાખીને પ્રથમ વખત 2005ની 15મી ડિસેમ્બરના દિવસે 'વિશ્વ ચા દિવસ'ની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2008માં વિશ્વના કેટલાક દેશોમાં 21મી મેના દિવસે ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ ત્યારથી 21મી મેના દિવસને સમગ્ર વિશ્વમાં 'વિશ્વ ચા દિવસ'ની ઉજવણી થઈ રહી છે ચાની ચુસ્કીએ વર્ષ 2014માં ભારતના રાજકારણમાં પણ સક્રિય પગ જમાવ્યો અને સમગ્ર ચૂંટણીનો પ્રચાર 'ચાય પે ચર્ચા' થી શરૂ થયો હતો.
![2008માં 21મી મેના દિવસે ચા દિવસની ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-05-2024/gj-jnd-02-tea-vis-01-pkg-7200745_21052024150340_2105f_1716284020_466.jpg)
રજવાડી ઠાઠ તરીકે આજે પણ ચા અવ્વલ: ભારતમાં ચાનો ઇતિહાસ પણ એક અલગ આદર માન-સન્માન ધરાવે છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં ચા એટલે ઘર ઘરનું પીણુ દુશ્મનને પણ એક વખત ચા માટે પૂંછવું એ સૌરાષ્ટ્રની શાન આજે પણ ગણવામાં આવે છે. પ્રસંગ સારો હોય કે માઠો ચા વગર કોઈ પ્રસંગ બાકી ન રહે તેની કાળજી આજે પણ રાખવામાં આવે છે. એક સમય હતો કે, જ્યારે સૌરાષ્ટ્રમાં કાળી ચા પીવામાં આવતી હતી પણ સમય વીતવાની સાથે હવે ચા પણ અનેક પ્રકારે બનતી અને પીવાતી જોવા મળે છે. ગરીબથી લઈને અમીર સૌ કોઇ કડકથી લઈને મીઠી કેસરયુક્ત ચા પીવે છે. આમ અનેક પ્રકારે ચા બનતી અને પીવાતી થઈ છે, બધી વેરાઇટીની વચ્ચે ચાની ચુસ્કી આજે પણ એની એ જ જોવા મળે છે.
![રજવાડી ઠાઠ તરીકે આજે પણ ચા અવ્વલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-05-2024/gj-jnd-02-tea-vis-01-pkg-7200745_21052024150340_2105f_1716284020_350.jpg)
ચા એટલે ચાહ જે સંબંધોને બાંધે છે: ચાના રસિકો ચાને લઈને પોતાનો અલગ ઠાઠ ધરાવે છે. ચા એ માત્ર ચા નથી પરંતુ બે વ્યક્તિ વચ્ચે ચાહનું માધ્યમ છે. ચાનો એક કપ કોઈ પણ જાણી કે અજાણી વ્યક્તિને લાગણીના સંબંધો સાથે જોડવામાં ખૂબ મહત્ત્વનું સાબિત થાય છે. ચા એ ઘરનું પીણુ છે અનેક સમસ્યાનો ઉકેલ એક કપ ચામાં આજે પણ રહેલો છે. ચા કોઈ પણ વ્યક્તિના લાગણી પ્રેમ અને સંબંધનું પ્રતિક છે. ચાની એક ચુસ્કી સૌ કોઈને એકસૂત્રતામાં બાંધવા માટે પૂરતી છે. ચાહના મૂળમાં ચા સમાયેલી છે. ચા અને ચાહ વગર કોઈપણ વ્યક્તિ એકબીજા સાથે લાગણીના સંબંધે ના બંધાયા હોય એવું આજે પણ જોવા મળતું નથી. ચા એ માત્ર એક પીણું નથી પરંતુ લાગણીની સાંકળે બાંધતી એક ચુસ્કી છે અને આજે ચાની ચુસ્કીના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સૌ કોઈને ચા દિવસની શુભકામનાઓ.