અમદાવાદ: મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. વંદે મેટ્રો ટ્રેન વિવિધ પ્રકારના આધુનિક પ્રવાસના અનુભવો પ્રદાન કરે છે. વંદે મેટ્રો મુસાફરોની સુવિધામાં એક મોટી સિદ્ધિ છે અને તે કચ્છના આર્થિક વિકાસને વેગ આપશે.
ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છે: રોજગારીની નવી તકો ઊભી કરશે અને સ્થાનિક પ્રવાસનને વેગ આપશે. વંદે મેટ્રોનો ઉદ્દેશ્ય દેશના શહેરો વચ્ચે પરિવહનને એક નવો આયામ પૂરો પાડવાનો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છે.
ટ્રેનમાં 110 કિમી પ્રતિકલાકની ઝડપ: વાતાનુકૂલિત કોચમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે. તેમાં અદ્યતન અને વધુ સારી સુવિધાઓ આપવામાં આવી છે. જે તેને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ કરે છે.
ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ – ભુજ વંદે મેટ્રો (અનારક્ષિત)
ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ વંદે મેટ્રો શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23:10 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 17 સપ્ટેમ્બર 2024થી દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ વંદે મેટ્રો રવિવાર સિવાય દરરોજ 05.05 કલાકે ભુજથી ઉપડશે અને તે જ દિવસે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 18 સપ્ટેમ્બર 2024થી દોડશે.
આ સ્ટેશને ઉભી રહેશે ટ્રેન
બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ પણ જાણો: