કચ્છઃ કચ્છના લોકોની હાઈ સ્પીડ ટ્રેનની માંગને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા વંદે ભારત ટ્રેન નહીં પરંતુ વંદે મેટ્રો ટ્રેન તે પણ દેશની સર્વ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન આજે ભુજ અમદાવાદ વચ્ચે પ્રારંભ કરવામાં આવશે. જેનો પ્રારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવશે ત્યારે આ વંદે મેટ્રો ટ્રેનમાં શું શું સુવિધા છે અમદાવાદનું કેટલું ભાડું છે તે જાણાો આ અહેવાલમાં.
વંદે મેટ્રોની સુવિધાઓ
મેક ઇન ઇન્ડિયા વંદે મેટ્રો ટ્રેન સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત છે અને આ ટ્રેનમાં 12 જેટલા એસી કોચ છે, જેમાં સેન્ટ્રલ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના ટોયલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે.
110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
ઉલ્લેખનીય છે કે ભુજથી જતી સામાન્ય ટ્રેન એન્જિન બદલાવવા માટે ગાંધીધામ ખાતે વધારે સમય લેતી હતી. જોકે વંદે મેટ્રો ટ્રેનમાં બંને તરફ એન્જિન હતા, તેના કારણે સમય પણ બચશે તો સાથે સાથે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ટ્રેન ચાલી શકે છે. જેથી માત્ર 5:45 કલાક જેટલા સમયમાં જ તે ભુજથી અમદાવાદ પહોંચાડશે.
શું રહેશે સમય?
અમદાવાદ-ભુજ વંદે મેટ્રો શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી 5:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:10 કલાકે ભુજ પહોંચશે. તો ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન રવિવાર સિવાય દરરોજ 05.05 કલાકે ભુજથી ઉપડશે અને તે જ દિવસે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. રેગલુર રીતે આ ટ્રેન ભુજથી 18 સપ્ટેમ્બર 2024થી દોડશે. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ મુસાફરી દરમિયાન આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર ઉભી રહેશે.
કેવી રીતે થશે ટિકિટ બુક કેટલું હશે ભાડું?
આ વંદે મેટ્રો ટ્રેનનું ભાડું - મિનિમમ 30 રૂપિયા જેટલું રાખવામાં આવ્યું છે તો ભુજથી અમદાવાદ માટે 359 કિમીના 455 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેનમાં 1150 જેટલા મુસાફરો બેસીને તેમજ 2000 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકશે. આ ટ્રેન અનરિર્ઝવ હોવાથી તેમાં એડવાન્સ બુકિંગ નહીં કરી શકાય પરંતુ રેલવે સ્ટેશન પરથી 2 કલાક પહેલા અથવા યુટીએસ કાઉન્ટર પરથી આ ટ્રેન માટેની ટિકિટ મેળવી શકાશે.
કચ્છના આર્થિક વિકાસને વેગ
ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી રહી છે. આ વંદે મેટ્રો ટ્રેન વિવિધ પ્રકારના આધુનિક પ્રવાસના અનુભવો કરાવશે. આ વંદે મેટ્રો ટ્રેન કચ્છના આર્થિક વિકાસને વેગ આપશે, રોજગારીની નવી તકો ઊભી કરશે અને સ્થાનિક પ્રવાસનને પણ વેગ આપશે.