ભાવનગર: જિલ્લામાં સતત વરસાદના લીધે વાયરલ રોગોના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં બમણા કેસો શરદી,ઉધરસ, તાવના સામાન્ય દિવસ કરતા વધારે નોંધાઇ રહ્યા છે. વાયરલ રોગોના લીધે લોકોએ કાળજી લેવા પણ અનુરોધ છે. સાથે બાળકોને લઈ તકેદારી તબીબ અગત્યની સૂચવી રહ્યા છે.
હોસ્પિટલમાં દર્દીઓનો વધારો: ભાવનગર બોરતળાવ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વરસાદ પહેલા દરરોજના શરદી, ખાંસીના 25 થી 30ની આજુબાજુ કેસ આવતા હતા. અત્યારે 50થી 55 જેવા કેસો આવી રહ્યા છે. આમાં મોટા લોકોથી લઇને નાના બાળકો બધા જ વર્ગના દર્દીઓ જોવા મળતા હોય છે. જેમાં નાના બાળકોને ઘરની બહાર ન કાઢવા જોઈએ, ગરમ કપડાં પહેરાવવા જોઇએ, બાળકોના ખાનપાનમાં પણ ધ્યાન રાખવાની જરુર છે, તે બહારનું ભોજન ન જમે તેની પણ તકેદારી રાખવી જોઇએ.
કેસો વધતા મનપાની તકેદારી: ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો મૌલિક વાઘાણીએ જણાવ્યું કે, વાયરલ કેસોમાં થોડોક વધારો જોવા મળ્યો છે, ભાવનગર મહાનગરપાલિકાની સર ટી. હોસ્પિટલમાં કેસો નોંધાય છે અને બીજા 14 આરોગ્ય કેન્દ્ર અને 3 સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કેસ નોંધાતા હોય છે.
ઋતુગત બિમારી કેસોમાં વધારો: આ ઉપરાંત હેલ્થ ઓફિસરે જણાવ્યું કે, કેસની વાત કરીએ તો દરેક આરોગ્ય કેન્દ્રની અંદર 483 જેટલા તાવના કેસો નોંધાયેલા છે, ઝાડા-ઉલ્ટીના 110 જેટલા કેસો નોંધાયેલ છે, શરદી ઉધરસ અથવા સામાન્ય ઉધરસના 300 જેટલા કેસો નોંધાયા છે. હાલમાં આ કેસોમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સર ટી. હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટીના છેલ્લા 5 દિવસમાં 30 કેસ નોંધાયા છે. તો તાવના 79 કેસ, જ્યારે શરદી-ઉધરસના 47 જેટલા કેસ નોંધાયેલા છે.
તકેદારીના ભાગરૂપે મનપાની કાર્યવાહી: ડો મૌલિક વાઘાણીએ જણાવ્યું કે, અમારે આરોગ્ય કેન્દ્રમાં તકેદારી રાખવા માટે દવાનો પૂરતો જથ્થો દરેક આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ છે અને અમારી ફિલ્ડ સર્વેન્લસની ટીમ છે. એ દરરોજ લોકોના ઘરે જઇને સર્વે કરે છે. જેથી લોકોમાં જનજાગૃતિ કેળવાય તેવા સૂચનો આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય કામગીરી કરવામાં આવે છે.