રાજકોટ: જીલ્લાના વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે એક યુવાન ઉપર આડા સંબંધની શંકાએ ચોટીલાના ધારેઈ અને સુરેન્દ્રનગરના સાયલાના કસવાળી ગામના 7 શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે.
7 શખ્સો ઉપર યુવકની હત્યાનો આરોપ: વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે એક યુવક પર આડા સંબંધની શંકાએ તેના પર હુમલો કરાયો, જેમાં તેનું મોત થયું હતું. ચોટીલાના ધારેઇ ગામ અને સાયલાના કસવાળી ગામના 7 યુવકો પર હુમલો કર્યાનો આરોપ છે. પરિવારની નજર સામે જ હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસે ફરિયાદ લઇ કાર્યવાહી કરી: વિંછીયા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી હતી. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, આ હત્યાના આરોપમાં કુલ 7 જેટલા વ્યક્તિઓની સંડોવણી હોવાની બાબત સામે આવી હતી. જેમાં પોલીસે હત્યારા પૈકીનાં 6 જેટલા વ્યક્તિઓને દબોચી લીધા છે. જ્યારે એક શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ હત્યાના બનાવના પગલે FSL ની ટીમ અને વિંછીયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થળ તપાસ કરવા સહિત આગળની તજવીજ હાથ ધરી હતી.
આડાસંબંધમાં યુવકની હત્યા થઇ: વિંછીયાના મોટામાત્રા ગામે રહેતા મૂળ ખારચિયાના વતની રાયધનભાઈ વશરામભાઈ સાડમીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં ચોટીલાના ધારેઈ ગામના રમેશ મેરામ, સતા રમેશ, ટોના રમેશ, સાયલાના કસવાળી ગામના ચોથા સગરામ મંદુરીયા, રામકુ ચોથા મંદુરીયા, વનરાજ ચોથા મંદુરીયા અને ઉમેશ ચોથા મંદુરીયાનું નામ આપ્યું હતું. જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાયધનભાઈનો નાનો ભાઈ અને 22 વર્ષીય મયુર ઉર્ફે મયલો વશરામભાઈ સાડમીયાને સાયલાના કસવાળી ગામના વનરાજ ચોથા મંદુરીયાની પત્ની સાથે આડો સંબંધ હોવાની શંકાએ વનરાજ સાથે ઝઘડો થયો હતો.
સારવાર દરમિયાન યુવકનું મોત થયું: ગત દિવસે સાંજે વનરાજ સહિતના 6 આરોપીઓ મોટામાત્રા ગામે ઝૂંપડામાં રહેતા પરિવારના ઘરે ગયા હતા. જ્યાં મયુર હાજર ન હતો ત્યારે મોટામાત્રા ગામે મજૂરી કામેથી પરત આવતા મયુર અને તેના પરિવારજનો ચોકડી પાસે ઉભા હતા. આ દરમિયાન આ ટોળકીએ છરી, કુહાડી, પાઈપ, ધારિયા, લાકડી જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો અને બાદમાં દેકારો થતા તમામ હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. આ હુમલામાં મયુરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે મયુરની ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસે આરોપીઓને ઝડપ્યા: આ બનાવ અંગે વીંછિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ રાજકોટ દોડી ગઈ હતી અને આ મામલે રાયધનભાઈ સાડમીયાની ફરિયાદને આધારે 7 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં 3 શખ્સની તો વિંછીયામાંથી તરત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ હતી. આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મૃતક મયુર 8 ભાઈ અને ત્રણ બહેનમાં 5 નંબરનો હતો. તેના પિતા હયાત ન હોય બધા ભાઈઓ મોટામાત્રા ગામે ઝુંપડામાં રહી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વનરાજની પત્ની સાથે આડા સંબંધની શંકાએ વનરાજ અને તેના ભાઈઓ સહિતના શખ્સએ મયુરની હત્યા કરતા પરિવારમાં સનસનાટી મચી ગઈ હતી.
આ પણ વાંચો: