રાજકોટ: જિલ્લાના જેતપુરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં રમતા-રમતા 1 વર્ષની બાળકી ભૂર્ગભ ટાંકામાં પડી જવાથી માસુમ બાળકીનું મોત થયું છે. માસુમ બાળકીના મોતથી શ્રમિક ગરીબ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.
કેવી રીતે થયું બાળકીનું મોત: જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ એમ.એમ. કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં નાની બાળકી રમતી હતી, ત્યારે માતાને ઉંઘ આવી જતા બાળકી રમતા-રમતા નજીકમાં આવેલ ભૂગર્ભ ટાંકાની કુંડીમાં પડી જવાથી 1 વર્ષની માસુમ બાળકનું કરૂણ મોત થયું હતું.
માતાની ઊંઘ ખુલતા પોતાની પાસે બાળકી ન મળતા આસપાસ શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળકીની કોઈ ભાળ નહિ મળતા નજીકમાં રહેલ કુંડીમાં ધ્યાન પડતા બાળકી આ કુંડીમાં પડી ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.
ત્યારબાદ તરત જ બાળકીને બહાર કાઢી જેતપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે 1 વર્ષની બાળકીને મૃત જાહેર કરી હતી, બાળકીના મોતને લઈને માતા શોકમાં ગરકાવ થઈ ગઈ છે અને હૈયાફાટ રૂદન કરી રહી છે.
વરસાદને કારણે ગ્રાઉન્ડ ફ્લોરના રહેતા હતા: તમને જણાવી દઈએ કે, જેતપુર શહેરના ધોરાજી રોડ પર એમ.એમ. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં મજુર પરિવાર વરસાદને કારણે આશરો લઈને રહેતા હતા. મૃત્યુ પામનાર બાર માસની બાળકીનું નામ ગાયત્રી અર્જુનભારથી વારોળીયા હતું.