રાજકોટ: પોતાના પતિથી અલગ રહેતી મહિલા અને તેની 17 વર્ષીય સગીરા પાસે 75 વર્ષના ભૂવા દ્વારા શરીર સુખની માંગણીની ઘટના સામે આવી છે. આ મામલે શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગોંડલના ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માતા પિતા વચ્ચે સતત થતાં ઝઘડાને દૂર કરી તેઓ સારી રીતે જીવન જીવે તે માટેની સમસ્યા દૂર કરવા માટે ભૂવાએ મહિલા અને તેની સગીર પુત્રી પાસે શરીર સુખ આપવાની માંગણી કરી હતી. ભૂવા દ્વારા મહિલા અને તેની પુત્રી સાથે આ પ્રકારની માંગણી ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે રાજકોટ ભક્તિનગર વિસ્તારના એસીપી બી.વી જાધવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં માતા ફરિયાદી છે. તેમની પુત્રીની ઉંમર 17 વર્ષની છે. માતા અને પુત્રી બંને પોતાના સંબંધીને ત્યાં રહેતી હતી અને ત્યાં જ આરોપી ભુવા એવા રત્ન રાણા ડાભી રહેતા હતા. એવામાં ફરિયાદી મહિલાની છોકરીનું મગજ થોડું તામસી હોય અને ફરિયાદીના પતિ સાથે સતત માથાકૂટ હોય ત્યારે પતિ પત્ની બંને અલગ અલગ રહેતા હતા. આ બાબતે સમાધાન કરવા માટે ભુવા રત્ન રાણા ડાભીએ બહાનું કર્યું હતું કે આ મામલે વિધિ કરવા માટે અને ઘરમાં શાંતિ માટે તેમજ ફરિયાદીના પતિ સાથે સારો ઘર સંસાર ચાલે તે માટે તે માટે તમારે મારી સાથે શારીરિક સંબંધો રાખવા પડશે તે માટેનું દબાણ કર્યું હતું. જે મામલે ભુવાએ બીભત્સ માંગણી કરીને મહિલાની છેડતી પણ કરી હતી. જેને લઇને પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી ભુવાની પોલીસે કરી ધરપકડ: એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ આ મામલે ભુવાની ધરપકડ કરવામાં આવી છે. તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ અગાઉ આ પ્રકારના કોઈપણ ગુના કર્યા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. જોકે આ મામલે હજુ સુધી અન્ય કોઈની સંડોવણી સામે આવી નથી પરંતુ જો પણ તપાસ દરમિયાન કોઈ અન્ય આરોપીની હશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 75 વર્ષના ભુવા દ્વારા મહિલાની છેડતી અને બીભત્સ માંગણી મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે 75 વર્ષના ભુવાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.