રાજકોટ: રાજકોટ શહેરના પંચાયત ચોક નજીક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લિફ્ટ નીચે ફસાઈ જવાથી બાળકીનું મોત થયું હતું. એપાર્ટમેન્ટની ચોકીદારી કરતાં નેપાળી પરિવારની દીકરી પાર્કિંગમાં રમતી હતી ત્યારે લિફટનો દરવાજો કોઇ કારણોસર ખૂલી ગયો હતો, પરંતુ લિફટ ન હોવાથી બાળકી નીચે ગબડીને પડી હતી. એ પછી ઉપરથી અચાનક લિફટ આવતાં અંદર રહેલી આ બાળકી ચગદાઇ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.
બાળકીએ લિફ્ટનો દરવાજો ખોલી નાખ્યો: બનાવની મળતી વિગત મુજબ રાજકોટના પંચાયત ચોક નજીક શિવશક્તિ સોસાયટી રોડ પર આવેલા હેવલોક એપાર્ટમેન્ટમાં રહેતાં બિમલ કાર્કીની 3 વર્ષીય દીકરી મરીના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રમતી હતી. રમતાં-રમતાં તે લિફટ પાસે પહોંચી ગઇ હતી. લિફટ ઉપર હતી છતાં બાળકીએ રમતા-રમતાં દરવાજો ખોલી નાખ્યો હતો, જેના કારણે બાળકી લિફટની નીચેની ખાલી જગ્યામાં પટકાઈ હતી.
લિફ્ટ નીચે દબાઇ જતા બાળકીનું મોત: બાળકી લિફ્ટ નીચે દબાઇ જતાં તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. લિફટના એન્જિનિયરને બોલાવી લિફ્ટ ખોલાવવામાં આવતાં બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જોકે આ સમય દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બાળકીના મૃતદેહનો કબ્જો લઇને પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત મુજબ મૃતક બાળકી મરીના તેના માતા-પિતાની એકની એક દીકરી હતી. આ દંપતી અહી છેલ્લા 5 મહિનાથી રહે છે અને ચોકીદારી કરતા હોવાનું સામે આવ્યું છે.