રાધનપુર: રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ રહેતાં ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે.
આ વિસ્તારમાં સ્કૂલો આવેલ હોય વિદ્યાર્થીઓ ગટરનાં ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનાં નિવાસ સ્થાન વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ છે. ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ રહિત ગટરનું પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે. ત્યારે પોતાના નિવાસ સ્થાને જ ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને રોડ રસ્તા પર ઉતરી આવતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ધારાસભ્ય સાર્થક નીવડ્યા નથી, જેને લઇને લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે.
સમસ્યાનુ નિવારણ ન આવતા લોકોમાં આક્રોશ: પાલિકા અને નાયબ કલેક્ટરને અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે.