નવસારી: વિશ્વાસ એ સંબંધોને ટકાવવા માટેની મહત્વની કડી છે. એકબીજાના વિશ્વાસ ઉપર જ લાખો રુપિયાની લેવડ દેવડ પણ થાય છે. પરંતુ ક્યારે કોઇ પર અતિ વિશ્વાસ પણ હાનિકારક સાબિત થઇ શકે છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં આવી જ એક ઘટના સામે આવી છે. ગણદેવીમાં કાઝીવાડમાં રહેતા ભાઇએ તેની બહેનના ઘરે ચોરી કરી આ ઉપરાંત તેના શેઠે આપેલા પૈસાની પણ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
આરોપીએ કરી લાખોની કરી ચોરી: મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ગણદેવીમાં કાઝીવાડમાં રહેતા 32 વર્ષીય વસીમ અબ્દુલ મજીદ ખલીફા ગણદેવી તાલુકામાં આવેલા ધનુરી ગામે કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. આરોપી જ્યાં નોકરી કરતો હતો. ત્યાં તેના શેઠને તેના પર ઘણો વિશ્વાસ હતો. જેથી શેઠે વસીમને 2 લાખ અને 89 હજાર રુપિયા સાચવવા માટે આપ્યા હતા. આ પૈસા જોઇને આરોપી વસીમની દાનત બગડી હતી. આરોપી વસીમ તેની બહેનને ત્યાં રહેતો હતો. થોડા જ સમયમાં આરોપીના લગ્ન હોવાથી. તે કોઇ પણ રીતે આ પૈસા મેળવવા માંગતો હતો. તે માટે કોઇને શંકા ન જાય અને ઘરમાં ચોરી થઇ થયાનું જૂઠ ફેલાવી શકાય. તે માટે આરોપી વસીમે શેતાની ચાલ અપનાવી હતી.
પોલીસ તપાસમાં આરોપીએ ચોરી કબૂલી: આરોપીએ પોતાની બહેનને આ પૈસા સાચવવા આપ્યા હતાં. તે જ બહેનના ઘરમાં આરોપી ભાઇએ ચોરી કરી. બહેનના ઘરમાંથી આરોપીએ શેઠે આપેલી રોકડ રકમ 2.89 લાખ અને 57 હજારના ઘરેણા સહિત કુલ 3.36 લાખ મુદ્દામાલની ચોરી કરી હતી. ઘરમાં થયેલી ઘરેણાંની ચોરીને લઈને વસીમની બહેન નાઝનીન ખલીફાને જાણ થતા તેણે ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગણદેવી પોલીસ પણ એક્શન મોડમાં આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા બહેનના ઘરે રહેતા વસીમ પર પોલીસને શંકા જતા તેની કડકાઇથી પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી વસીમ ભાંગી પડ્યો અને પોતે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યા હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો: ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ચૌહાણે જણાવ્યું હતું કે, નાઝનીન ખલીફાની ફરિયાદના આધારે અમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન નાઝનીન ખલીફાના ભાઈ વસીમ પર શંકા જતા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે સમગ્ર ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ઘરેણા અને રોકડ રકમ મળી કુલ 3.36 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
આ પણ વાંચો: