રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડમાં ગત તા. 25 ના રોજ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 27 લોકોના મોત થયા હતા, જેમાં અત્યાર સુધી ગેમઝોન માલિકો, મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ, ફાયર અધિકારીઓ સહીત 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી તો આજે વધુ ફાયરના 2 ઓફિસર સહિત વધુ 3 ની ધરપકડ કરવામાં આવી છે. જેથી ધરપકડનો આંક 15 પહોંચ્યો છે તો ઝડપાયેલાં આરોપીઓના આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
TRP અગ્નિકાંડમાં 12 આરોપીઓની ધરપકડ: બનાવની મળતી વિગત મુજબ ગત તા. 25 ના રોજ રાજકોટ TRP ગેમઝોનમાં 27 લોકોના મોત થયા હતા જે મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો હતો જે ગુનામાં 6 ભાગીદારો, 5 ટાઉન પ્લાનિંગ ઓફિસર અને 1 ફાયર અધિકારી સહિત 12 આરોપીઓની આ ગુનામાં ધરપકડ થઇ છે, જેમાંથી પૂર્વ TPO મસમુખ સાગઠીયા હાલ રિમાન્ડ પર છે ત્યારે આજે આ ગુનામાં વધુ 3 આરોપી જેમાં ઇલેશ ખેર - ચીફ ફાયર ઓફીસર, ભીખા ઠેબા ડેપ્યુટી ચીફ - ફાયર ઓફીસર અને મહેશ રાઠોડ - ફેબ્રીકેશનનું કામ રાખનાર તેમજ સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી છે.
ફાયર વિભાગ દ્વારા બેદરકારી દાખવાઇ: આ અંગે કાઈમ બ્રાંચના ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ પૈકી ઇલેશ ખેર અને ભીખા ઠેબા તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સર્વિસ વિભાગના કર્મચારીઓ છે. જે TRP ગેમ ઝોનમાં વેલ્ડીંગ દરમ્યાન તિખારા ખરતા આગ લાગી હતી. તેમજ ગત તા. 04/09/2023 ના રોજ આ TRP ગેમઝોનમાં વેલ્ડીંગથી આગ લાગી હતી તેમજ આ ગેમ ઝોન ચાલુ હતું તે વાત આ અધિકારીઓ જાણતા હતા તેમ છતા TRP ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ? અગ્નિશામકના પુરતા સાધનો છે કે કેમ? તે બાબતે આ બનાવ બનેલ ત્યા સુધી કોઇ પણ જાતની કાર્યવાહી કરી નહોતી તેમજ ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબા એસીબીના ગુનામાં જેલમાં હોય જેથી ટ્રાન્સફર વોરન્ટ આધારે કબજો લઇને બંને આરોપીને અટક કરવામાં આવેલ છે.
ફેબ્રિકેશન કામ દરમિયાન આગ લાગી: TRP ગેમ ઝોનમાં સ્નો પાર્ક માટે ફેબ્રિકેશનના કામ માટે જે વેલ્ડીંગ કામ ચાલતુ હતું તે TRP ગેમ ઝોનના ભાગીદાર આરોપી રાહુલના કાકા આરોપી મહેશ રાઠોડ કરાવતા હતા તેમજ વેલ્ડીંગ કામ તેઓના સુપરવિઝન હેઠળ ચાલતુ હતું જેઓએ બેદરકારી દાખવેલ હતી જેથી તેની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપીઓ
1 | રોહિત વિગોરા |
2 | એમ.ડી. સાગઠીયા |
3 | યુવરાજસિંહ સોલંકી |
4 | રાહુલ રાઠોડ |
5 | કિરીટસિંહ જાડેજા |
6 | અશોકસિંહ જાડેજા |
7 | ધવલ ઠાકર |
8 | નીતિન લોઢા |
9 | નીતિન જૈન |
10 | પ્રકાશચંદ્ર હિરન |
11 | રાજેશ મકવાણા |
12 | ઇલેશ ખેર |
13 | ભીખા ઠેબા |
14 | મહેશ રાઠોડ |
15 | જયદિપ ચૌધરી |