કચ્છ: ભુજમાં શેરી ફેરિયા એસોસિએશનના ફેરિયાઓએ જ્યુબિલી સર્કલ પાસે ધરણાં કર્યા હતા. કચ્છ શેરી ફેરિયા એસોસિએશનના ભુજ યુનિટ દ્વારા લારી-ગલ્લા કેબિન ધારકોએ વિવિધ માંગણીઓને લઇને રોજગાર બચાવો અભિયાનનો પ્રારંભ કર્યો હતો. તેમજ જ્યાં સુધી નગરપાલિકા દ્વારા તમામ ફેરિયાઓનું સર્વે કરવામાં ન આવે અને તેઓને વેપારનું પ્રમાણપત્ર આપવામાં ન આવે.
ત્યાં સુધી ફેરિયાઓને લારી-ગલ્લા ન હટાવવા તેમજ વેન્ડિંગ ઝોનના અમલીકરણ માટે માંગણી કરવામાં આવી હતી અને જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કલેકટર કચેરીએ ઘેરાવ તેમજ અચોક્કસ મુદ્દત માટે લારી-ગલ્લા શાકભાજીના ફેરિયાઓ બંધનું એલાન કરશે.
નગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ ન કરાઇ: ભુજ યુનિટ શેરી ફેરિયા એસોસિએશનમાં અંદાજિત 1500 જેટલા ફેરિયાઓ છે. જે ભુજના વિવિધ માર્ગો પર ચા-પાણી, નાસ્તા, ફળ, શાકભાજી ,નારિયેળ પાણી વગેરે જેવી લારી અને પાનના ગલ્લા ચલાવે છે. આવા ફેરિયાઓનો સર્વે કરીને તેમને વેપાર કરવા માટેનું પ્રમાણપત્ર ભુજ નગરપાલિકા દ્વારા આપવામાં આવતું હોય છે. પરંતુ હજુ સુધી અંદાજિત 1000 જેટલા વેપારીઓ રજિસ્ટર્ડ થયા નથી અને ભુજ નગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં ન આવી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
ફેરિયાઓને રસ્તા પરથી હટાવવામાં આવે છે: શેરી ફેરિયાઓ સાથે વેપારને લઈને અન્યાય થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેમના લારી ગલ્લાઓને દબાણમાં માનીને નગરપાલિકાઓ દ્વારા તે હટાવવામાં આવી રહ્યા હોવાના વિરોધમાં ભુજના જ્યુબીલી સર્કલ પર મોટી સંખ્યામાં વેપારીઓ ધરણાં પર બેઠા હતા. આ સાથે તેમની વિવિધ માંગણીઓ સંતોષવા માટે અપીલ કરી હતી. કોરોના કાળમાં આજ તમામ ફેરિયાઓએ પોતાના જીવના જોખમે લોકો સુધી શાકભાજી ફળફળાદી પહોંચાડ્યા હતા. આજે એ જ ફેરિયાઓને અતિક્રમણકારી કહી રસ્તાઓ પરથી હટાવવામાં આવી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
શેરી ફેરિયા અધિનિયમ 2014 મુજબ પાલન કરવા માંગ: ભુજ શહેરમાં વિવિધ સ્થળોએ વેન્ડિંગ ઝોન જાહેર કરી ફેરિયાઓનો તેમાં સમાવેશ કરી અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે વેપારીઓ અપીલ કરી રહ્યા છે. અન્ય લોકોની નજરમાં જે દબાણ છે. તે વેપારીઓનું રોજગારીનું સ્તર છે. વેપારીઓ પાસેથી તેમની રોજગારીનું સ્થળ છીનવી ન શકાય તેવું શેરી ફેરિયા અધિનિયમ 2014 મુજબ જણાવવામાં આવ્યું છે.
વેન્ડીંગ ઝોનનું અમલીકરણ થવું જોઈએ: વેપારીઓએ જણાવ્યું હતું કે, શેરી ફેરિયા અધિનિયમ 2014 મુજબ શહેરના તમામ ફેરિયાઓનું જયાં સુધી સર્વે કરવામાં ન આવે અને તેઓને વેપારનું પ્રમાણ પત્ર આપવામાં ન આવે ત્યાં સુધી શહેરના કોઇપણ ફેરિયાને તેની જગ્યાએથી હટાવવા કે અન્ય જગ્યાએ ખસેડવા નિયમોની વિરુદ્ધ હોઈ જેથી કાયદાનું અમલીકરણ થવું જોઈએ. તેવી માંગ વેપારીઓએ કરી છે. અગાઉ ટીવીસી એટલે કે ટાઉન વેન્ડીંગ કમીટીમાં મંજુરી થયેલા વેન્ડીંગ ઝોનનો અમલીકરણ થવું જોઈએ. તેમજ શેરી ફેરિયાઓને હટાવતા પહેલા તેઓના પુનઃર્વસનની વ્યવસ્થા પણ થવી જોઈએ.
વેન્ડીંગ સર્ટીફીકેટ આપવા માટેની માંગણી: જુલાઇ 2022 બાદ ઓળખી કાઢવામાં આવેલા અને જેમાનાં સર્વે થઇ ગયેલા છે. તેવા તમામ ફેરિયાઓને ફેરિયા ઓળખ કાર્ડ અને વેન્ડીંગ સર્ટીફીકેટ આપવા માટે તેમજ શેરી ફેરિયા અધિનિયમ 2014 અને ગુજરાત રાજય સરકાર શેરી ફેરિયા સ્કીમ 2018 નું અમલીકરણ થવું જોઈએ. આ ઉપરાંત જૂની અને નવી બન્ને શાકમાર્કેટમાં ફેરિયાઓને એલોટમેન્ટ લેટર આપીને તેઓનું સમાવેશ કરવા અને બન્ને શાકમાર્કેટમાં થયેલ હેતુફેર દબાણ દૂર કરવા માટેની માંગણી પણ વેપારીઓએ કરી હતી.
માંગ ન સ્વીકારાઇ તો વેપારીઓ લારી ગલ્લા બંધ રાખશે: શહેરમાં સૂચીત વેન્ડીંગ ઝોનની જે ડિઝાઈનો તૈયાર કરવામાં આવી છે. તે ડિઝાઈન મુજબ વેન્ડીંગ ઝોનનું નિર્માણ કરી અને તે વેન્ડીંગ ઝોનમાં સંબંધીત ફેરિયાઓનો સમાવેશ કરવામાં માટેની માંગણી વેપારીઓએ કરી હતી. આ ઉપરાંત નગરપાલિકા દરેક વેપારી પાસેથી મહિને 180 રૂપિયાની ભાડું લે છે. છતાં વેપારીઓના લારી-ગલ્લાને દબાણ માનીને દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો વેપારીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓ કલેકટર કચેરીએ ઘેરાવ કરશે અને અચોક્કસ મુદ્દત માટે વેપારીઓ લારી ગલ્લા બંધ રાખશે.
પ્રજાની પણ ફરિયાદો: સમગ્ર બાબત અંગે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, ભુજના જાહેર માર્ગો પર અનેક લારી ગલ્લાવાળાઓ છે. જે રજીસ્ટર થયેલા નથી. તેમની લારી ગલ્લા લોકોની ફરિયાદોના કારણે રસ્તા ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે દૂર કરવામાં આવી રહ્યા છે. લોકો રસ્તા પર ગમે ત્યાં લારી મૂકીને ધંધો કરી રહ્યા છે. ત્યારે કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ભુજ શહેરના મુખ્ય માર્ગો પર અડચણરૂપ લારીઓ દૂર કરવામાં આવી રહી છે.
અનઅધિકૃત લારીઓ દૂર કરવાનું આયોજન: નગરપાલિકા દ્વારા આગામી સમયમાં વેન્ડિંગ ઝોન બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલમાં સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયા બંધ છે. અગાઉ જે સર્વે થઈ ચૂક્યું છે. તેમના સર્ટિફિકેટ આવી ચૂક્યા છે. પરંતુ એક વેપારી અનેક સ્થળોએ લારી ગલ્લા ચલાવતા હોય છે. તેના કારણે રસ્તા અને ફુટપાથ પર થયેલા લારીઓના દબાણો દૂર કરવા પ્રજા દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે. જેથી નગરપાલિકા દ્વારા રસ્તા પરમાં અનઅધિકૃત લારીઓ દૂર કરવાનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો: