ખેડા: જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામે વાનરોના આતંકથી ગ્રામજનો ત્રસ્ત બન્યા છે. ગામમાં છેલ્લા 1 મહિનામાં વાનરોએ હુમલો કરી 25 જેટલા લોકોને ઘાયલ કર્યા છે. જેને લઈ ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામમાં રોજબરોજ વાનરો તોફાન મચાવતાં ગ્રામજનોનું રોજિંદું જીવન પ્રભાવિત થયું છે. વન વિભાગ દ્વારા વાનરોના ત્રાસથી ગામને મુક્ત કરાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. વાનરોના ભારે ત્રાસને કારણે સીમ વિસ્તાર ઉપરાંત ગામમાં પણ અવરજવર કરતા લોકો ડરી રહ્યા છે.વાનરોના આતંકને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.
25 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી: વાનરોના ટોળાએ ગામમાં આતંક ફેલાવતા છેલ્લા એક મહિના દરમ્યાન હુમલો કરી બચકા ભરી 25થી વધુ વ્યક્તિઓને ઈજાગ્રસ્ત કર્યા છે. ગામમાં રસ્તા પરથી અવરજવર કરતા એકલદોકલ લોકોને વાનરો પગમાં બચકા ભરી લે છે. વાનરો લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને ખાવાની ચીજવસ્તુ હોય તે લઈને જતા રહે છે. જો તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તે લોકો પર હુમલો કરી દે છે. વાનરોના ભારે ત્રાસને કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.વાનરોના કારણે લોકો અવર જવર કરતા પણ ડરી રહ્યા છે.
વાનરોના ત્રાસથી મુક્ત કરાવવા માંગ: વાનરોના ત્રાસથી ગામમાં છેલ્લા એક મહિના ઉપરાંત સમયથી લોકોમાં સતત ભયનો માહોલ ફેલાયો છે. જેને કારણે વન વિભાગ દ્વારા વહેલી તકે વાનરોના ત્રાસથી ગામને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. લોકોની રજૂઆતને લઈ થોડા સમય પહેલાં વન વિભાગ દ્વારા ગામમાંથી બે વાનરોને પકડવામાં આવ્યા હતા.પરંતુ આ વાનરોને પકડ્યા બાદ નજીકમાં વગડામાં જઈને છોડી મૂકવામાં આવ્યા હતા. જેથી તે વાનરો થોડા સમય બાદ ગામમાં ફરીથી આતંક મચાવી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વાનરોનો વધી રહેલો ત્રાસ: જીલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં ગામોમાં વાનરોનો આતંક જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે ગામોમાં વાનરોનો આતંક વધી રહ્યો છે. અવારનવાર ગામોમાં વાનરના આતંક મચાવ્યાની વિગતો આવતી રહે છે. વાનર ટોળીઓ ખોરાકની શોધમાં ગામમાં લોકોના ઘરોમાં ઘુસી ઉત્પાત મચાવે છે. જેને કારણે લોકોને રોજીંદી પરેશાની ભોગવવી પડે છે. તેમજ ક્યારેક વાનરો હિંસક બનતા લોકોને ઈજાઓ પણ પહોચાડે છે.