કચ્છ: અંજારમાં એસટી બસ સ્ટેન્ડ નજીક મહાવીર ડેવલોપર્સ બિલ્ડર ગૃપની ઑફિસ નીચે 4 અજાણ્યા શખ્સોએ બાઈક પર આવીને 2 કર્મચારીઓને છરીની અણીએ અંદાજે 40 લાખ રોકડાં રૂપિયા ભરેલી બેગ લૂંટી નાસી જતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને તેના ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે પોલીસે શહેરની નાકાબંધી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
છરીની અણીએ 40 લાખની લૂંટ: અંજારમાં 40 લાખની લૂંટ થતા પોલીસ 4 અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રાતના 8 વાગ્યાના અરસામાં આ લૂંટનો બનાવ બન્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારેએ ઘટનાની જાણ થતા તેઓએ જણાવ્યું છે કે, આરોપીઓને ઝડપી લેવા પૂર્વ કચ્છ LCB, પૂર્વ કચ્છ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અને અંજાર પોલીસ સ્ટેશનની ટીમોને નાકાબંધી, સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
કારમાં બેગ મૂકવા જતા કરાઈ લૂંટ: અંજારના મહાવીર ડેવલોપર્સ પેઢીના બે કર્મચારીઓ ઓફિસ બંધ કરીને અંદાજિત 40 લાખ ભરેલી રોકડ રકમ, દસ્તાવેજો ભરેલી 3 જેટલી બેગ લઈને ઓફિસ નીચે શેઠની ગાડીમાં મૂકવા જતાં હતા. ત્યારે 4 જેટલા બુકાનીધારી શખ્સો બાઈક પર છરી લઈને ધસી આવ્યાં હતાં અને લૂંટારાઓ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરીને રોકડ ભરેલી બેગ લૂંટીને બે બાઈક પર નાસી છૂટ્યાં હતાં. જોકે આ ઘટનામાં કોઈ પણ કર્મચારીને છરીથી ઈજા થઈ નથી. જેના ફુટેજ સીસીટીવીમાં કેદ થયા છે.
SP, DYSPનો કાફલો ધસી ગયો: સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અંજારમાં મહાવીર ડેવલોપર્સ દ્વારા ટૂંક સમયમાં જ લોકોની સેવાર્થે એક મોટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. પરંતુ આજે 40 લાખની લૂંટ થતા પૂર્વ કચ્છ SP, અંજાર DYSP, LCB પીઆઇ, અંજાર પોલીસ સ્ટેશન પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પોલીસે આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.