જૂનાગઢ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન સ્થાપિત શિવલિંગની પૂજા અને અભિષેકનું વિશેષ મહત્વ જોવા મળે છે. શ્રાવણ મહિના દરમિયાન કેટલાક શિવભક્તો પાર્થિવ શિવલિંગની પૂજા અને અભિષેક પણ કરતા હોય છે ત્યારે બરફના પથ્થરોમાંથી બનેલા સ્ફટિકના શિવલિંગની પૂજા અને અભિષેકનું પણ વિશેષ ધાર્મિક મહત્વ જોવામાં આવે છે.
સ્ફટિકના શિવલિંગનું મહત્વ: પવિત્ર શ્રાવણ માસ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. શિવને પ્રિય એવા આ શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક શિવભક્ત સ્થાપિત શિવલિંગની સાથે પાર્થિવ શિવલિંગની પૂજા અને અભિષેક કરતા હોય છે. ત્યારે બરફના પહાડોના પથ્થરોમાંથી મળી આવતા સ્વયંભૂ સ્ફટિકમાંથી બનેલા શિવલિંગની પૂજા-અભિષેકનું પણ ખૂબ જ ધાર્મિક મહત્વ શિવ પુરાણ સાથે જોડાયેલા સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. સ્ફટિકને બરફના પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સ્વયં પ્રકાશિત હોય છે. આવા જ એક સ્ફટિકના શિવલિંગનું સ્થાપન ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં પ્રતિદિન શિવલિંગ પર અભિષેક અને વિશેષ પૂજા કરવામાં આવે છે.
સ્ફટિક શિવલિંગ પર અભિષેક: સ્ફટિકના શિવલિંગના દર્શન અને તેના અભિષેકને પવિત્ર ધાર્મિક વિધિ પણ માનવામાં આવે છે. સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી કોઈ પણ શિવ ભક્ત શિવ પ્રત્યે કેન્દ્રિત બનતો હોય છે. જેથી સ્ફટિકને શિવના પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ તરીકે પણ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ફટિક શિવલિંગના દર્શન અને અભિષેક કરવાથી આધ્યાત્મિક શક્તિઓની સાથે પ્રાર્થનાના ઉદ્દેશ્યને પણ વધારનારો માનવામાં આવે છે. શિવલિંગની પૂજાથી આધ્યાત્મિક વૃદ્ધિની સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક શિવભક્તને આંતરિક શાંતિનો અનુભવ પણ સ્ફટિકનું શિવલિંગ કરાવે છે. નકારાત્મક શક્તિઓથી દૂર રાખીને સારા નસીબ અને સમૃદ્ધિ તરફ પણ સ્ફટિકનું શિવલિંગ દોરી જાય છે.
દૂધનો અભિષેક કરવાની વિશેષ પરંપરા: શિવપુરાણ સાથે જોડાયેલા સનાતન ધર્મના ગ્રંથોમાં સ્ફટીકના શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાની વિશેષ પરંપરા જોવા મળે છે. આ સિવાય કોઈ પણ શિવ ભક્ત પવિત્ર ભસ્મ અને ચંદનનો લેપ કરે તો પણ સ્ફટિકના શિવલિંગ ખૂબ જ ઉર્જા પ્રદાન કરે છે. સાથે સાથે ફળ ફૂલ અને બિલિપત્રના અભિષેકને પણ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવ્યું છે. ચંદનનો લેપ અને ફળ ફૂલની સાથે બિલિપત્રના અભિષેક વખતે કોઈ પણ શિવભક્ત ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરે તો પણ દેવાધિદેવ મહાદેવ પ્રત્યેક શિવભક્ત પર અતિ પ્રસન્ન થાય છે.
ઘરમાં પવિત્ર જગ્યા પર સ્થાપન કરવું: સ્ફટિકના શિવલિંગને ઘરના પવિત્ર સ્થાનમાં સ્થાપિત કરવું જોઈએ તેવો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં જોવા મળે છે સ્ફટિકના શિવલિંગની નિયમિત પૂજા અને સોમવારે ખાસ પૂજા કરવી જોઈએ ભક્તિ ભાવ સાથે એક માત્ર સ્પર્શ કરવાથી પણ આધ્યાત્મિક ઉર્જા નો સંચાર પ્રત્યેક શિવ ભક્તમાં થતો હોય છે જેને સ્ફટિકના શિવલિંગની શક્તિ પણ જોવા મળે છે શિવલિંગની પૂજા કરવાથી શિવ સાથે જોડાવાનો એક અનોખો પ્રસંગ પણ ઉદભવે છે જે પ્રત્યેક શિવ ભક્તને શક્તિશાળી બનાવે છે વધુમાં સ્ફટિકના શિવલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જીવ પણ શિવ સમીપે પહોંચતો જોવા મળે છે.