રાજકોટઃ રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ શાખાની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટીમાં આવેલી જય કિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદેસર ધમધમતું હોવાનુ સામે આવ્યુ છે. જેમાં સ્કૂલ સંચાલક મિલન વેકરીયા દ્વારા બિલ્ડીંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લીસન સર્ટિફિકેટ ઉપરાંત ફાયર એનઓસી મેળવવામાં આવ્યું ન હતું. તેમ છતાં અહીં 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે તેમના જીવ ઉપર જોખમ સર્જાયું છે. સૂચિત જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા જ સૌપ્રથમ આ સ્કૂલમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવશે. આ ઉપરાંત ગેરકાયદેસર બિલ્ડિંગમાં ધમધમતુ શિક્ષણકાર્ય બંધ કરાવવામાં આવશે. બાદમાં બિલ્ડિંગ ડિમોલેશન કરવામાં આવશે.
BU પરવાનગી શાળા પાસે ન્હોતીઃ મળતી વિગત મુજબ રાજકોટ શહેરના મવડી પાસેના બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટીમાં જયકિશન સ્કૂલનુ નવું બિલ્ડિંગ બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવવામાં આવી નથી. વર્ષ 23 મે, 2023 માં ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાએ ગેરકાયદેસર બાંધકામ 260 (2) મૂજબ તોડી પાડવા માટે નોટિસ આપી હતી અને ત્યારબાદ સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ અપાયો હતો. જોકે બાદમાં છેલ્લા દોઢ વર્ષથી કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે જ્યારે મીડિયાની ટીમ સ્કૂલ પર પહોંચી તો સ્કૂલના સત્તાવાહકો દ્વારા એવો રૂઆબ કરવામા આવ્યો કે મવડી પ્લોટ સૂચિતમાં છે અને તેમાં ઘણી બધી સોસાયટીઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે.
શું કહે છે જિલ્લા શિક્ષણ અધિકારી? રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, જય કિશન સ્કૂલના નવા બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ હોવા છતાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ બાબત મીડિયાના માધ્યમથી મને જાણવા મળી છે. પ્રાથમિક તબક્કે એવો ખ્યાલ આવ્યો છે કે આ બિલ્ડિંગ જે. કે. એકેડેમીના નામે ચાલે છે. જોકે શિક્ષણ વિભાગની ટીમને સ્થળ તપાસ માટે મોકલવામાં આવી છે, એનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
શું કહે છે ડે. મ્યુનિ. કમિશનર? રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણીએ જણાવ્યું હતું કે, મવડીમાં આવેલી જય કિશન સ્કૂલ બાંધકામની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કાર્યરત છે. 260/2 મૂજબ બાંધકામને તોડી પાડવા માટે ગત તા. 23 મે 2023ના નોટિસ આપવામાં આવી હતી. જોકે, અહીં બાંધકામ હજુ સુધી દૂર ન થતા હવે ફરી વખત નોટિસ આપવામાં આવશે. આ બિલ્ડિંગની બિલ્ડિંગ યુઝ પરમિશન મેળવવામાં આવી નથી. જેથી સૌપ્રથમ આ બિલ્ડિંગમાં નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવામાં આવશે અને ડ્રેનેજ લાઇન કાપવામાં આવશે. બાદમાં આ બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવશે.