રાજકોટઃ સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઈફ્કો ખાતે સૌરાષ્ટ્ર સ્થિત સહકારી આગેવાનોનો કબ્જો તોડવા માટેનાં બિપિન ગોતા થકી આદરાયેલા પ્રયાસોને જાણે કે જોરદાર ધોબી-પછાડ મળી છે. ગાંધીનગર કમલમમાંથી "ભાજપ અને કોંગ્રેસનાં સહકારી ક્ષેત્રનાં ઉમેદવારો વચ્ચે ચોક્કસ પ્રકારે ઈલુ-ઈલુ ચાલી રહ્યું છે" તેવા નિવેદનો પણ રજૂ થયા છે.
બાબુ નસીતનો સણસણતો સવાલઃ રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રના અગ્રણી અને ભાજપના સભ્ય બાબુ નસીતે મેન્ડેટની સામે લડનારા રાદડિયા સામે એક્શન કેમ ન લેવાવા જોઈએ? તેવો સણસણતો સવાલ કર્યો છે. બાબુ નસીત સાથે આવી ઘટના ઘટી ત્યારે કબૂલાત સાથે એમની વિરુદ્ધ એક્શન લેવાયા હોય તો રાદડિયા સામે પણ એક્શન લેવાય તેવી રજૂઆત કરતા તેમણે ચંદ્રકાન્ત પાટીલનાં "ઈલુ-ઈલુ" વાળા નિવેદનને સમર્થન આપ્યું.
જયેશ રાદડિયાની પ્રતિક્રિયાઃ બાબુ નસીતે જે સવાલો ઊભા કર્યા છે તેના પર પ્રતિક્રિયા આપતા જયેશ રાદડિયાએ જણાવ્યું કે, હું એક સહકારી ક્ષેત્રનો અને સમાજનો માણસ છું અને સમાજ તેમજ ખેડૂતોનાં ભૂતકાળમાં મને સર્ટિફિકેટ મળી ચુક્યા છે. મારે નસીતનાં આરોપોના જવાબો આપવાના હોય જ નહીં. પાટીદાર સમાજ વતી ખોડલધામ વાળા નરેશ પટેલે જયેશ રાદડિયા વિરુદ્ધ અને બિપિન ગોતાની તરફેણમાં મતદાનની અપીલ કરતી વાયરલ થયેલી રેકોર્ડેડ ટેલિફોનિક ચર્ચા મુદ્દે પુછાયેલા પ્રશ્નના જવાબમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ મુદ્દે તેઓ કશું જાણતા નથી એટલે એ મુદ્દે તેઓ કોઈ વાત કરી શકશે નહીં. મેન્ડેટ વિરુદ્ધ જવા બદલ જયેશ રાદડિયાની સામે કોઈ એક્શન કેમ ન લેવાવવા જોઈએ? આ પ્રશ્નના જવાબમાં રાદડિયાએ જણાવ્યું હતું કે, મેં પક્ષ વિરોધી કોઈ પ્રવૃત્તિ નથી કરી કે મારી વિરુદ્ધ એક્શન લેવાય. પક્ષ દ્વારા આપવામાં આવેલી તમામ ચૂંટણીલક્ષી જવાબદારીઓનું મેં સભાનતાપૂર્વક વહન કર્યું છે તેથી આ પ્રશ્ન જ અસ્થાને છે.
ભાજપનું આંતરિક રાજકારણઃ અમરેલી-જેતપુર-જામકંડોરણા-ધોરાજી-ઉપલેટા પટ્ટીમાંથી દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા અને સમર્થનમાં આવેલા નારણ કાછડીયા જેવા નેતાઓને લીધે ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. તેમજ લોકસભા ચૂંટણીના જે પરિણામો આવશે ત્યારબાદ ભાજપનું આંતરિક રાજકારણ કઈ દિશામાં ગતિ કરશે તેના પર સૌ કોઈની નજર છે.