વલસાડ: જિલ્લાના કાંઠા વિસ્તારના અનેક ગામો એવા છે જ્યાં પ્રોટેક્શન વોલના અભાવે દર વર્ષે ચોમાસા દરમિયાન આવતી મોટી ભરતીના વરસાદી પાણી વિવિધ ગામોના ફળિયાઓમાં ઘૂસી જાય છ. જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. અનેક ફળિયાઓમાં વરસાદી પાણી ઘૂસી જતા ખાના ખરાબી સર્જાય છે, તો દરિયાના પ્રચંડ મોજા કિનારા વિસ્તારમાં આવેલા અનેક ઘરોની દીવાલો ઉપર અથડાતા દીવાલોને પણ નુકસાન પહોંચે છે.
સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરાઇ: સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને, રાજકીય આગેવાનોને તેમજ ઉચ્ચ સ્તર સુધી રજૂઆતો કરવામાં આવી પણ હજુ સુધી કોઈ નક્કર કાર્ય થયું નથી. થતા લોકોને દર વર્ષે ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જોકે સતત ચોમાસા દરમિયાન ભરતીના સમયે લોકોએ પોતાના ઘર નજીક રહેવું પડે છે કારણ કે, દરિયાઈ મોજાના પાણી સીધા ફળિયાની તમામ ગલીઓમાં આવી જાય છે.
કેટલાક લોકો સ્થળાંતર કરી ગયા: નાનીડાંતી ગામના મોટીદાંતી ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, એક તરફ દરિયો બીજી તરફ નદી અને ત્રીજી તરફ ખાડી આવેલી છે. ભરતીના સમયે દરેક સ્થળે પાણી આવી જાય છે. જેના કારણે મુશ્કેલી વધે છે. પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે દરિયાનું પાણી દર વર્ષે આગળ વધી રહ્યું છે. જેના કારણે મોટી દાંતી ગામના અનેક ઘરો ખાલી થઈ ગયા છે. લોકો અન્ય સ્થળે રહેવા માટે જતાં રહ્યા છે. જ્યારે જેટલા કોલો હજુ પણ રહે છે તેઓ પણ ભયના ઓથ હેઠલ નિર્વાહ કરી રહ્યા છે. સમય જતાં જો કોઈ વ્યવસ્થિત કામ નહી કરાય તો અહી વસવાટ કરી રહેલા લોકો પણ અન્ય સ્થળે સ્થળાંતર કરી જાય એવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.
મોટીદાંતી ગામ આખું દરિયામાં ગયું: વલસાડ જિલ્લાના મોટીદાતી ગામના કેટલાક દરિયો આગળ આવતા દરિયાના પાણીમાં ભળી ગયા છે. એટલે કે જેમ-જેમ દરિયો આગળ વધે છે તેમ તેમ લોકો પોતાની જગ્યા છોડી અન્ય સ્થળે સ્થાનાંતરિત થવા લાગ્યા છે. એટલે મોટીદાંતી ગામના કેટલાક ફળિયાનું અસ્તિત્વ જ મટી જવા પામ્યું છે.
મુખ્ય કારણ દરિયા કાઠે રેતી ચોરી: દરિયો આગળ આવવાનું મુખ્ય કારણ દરિયા કાંઠે થતી સફેદ રેતીની ચોરી છે. જ્યાં દરિયો અને ખાડી મળે છે એ સ્થળે મોટા પાયે રેતી માફીયાઓ દ્વારા રેતી ચોરી કરવામાં આવી રહી છે. જેના કારણે દરિયો આગળ વધી રહ્યો છે. હવે નાનીદાંતી ગામમાં પણ ધીમે ધીમે દરિયાઈ પાણી ઘૂસી રહ્યું છે જેને પગલે સ્થાનિકોમાં ચિંતા છે.
સ્થાનિકો માછીમારીથી રોજગારી મેળવે છે: નાનીદાંતી અને મોટીદાંતી ગામના લોકો દરિયા કિનારે વસવાટ કરે છે. મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેથી તેઓ અન્ય સ્થળે સ્થાનાંતરિત થાય તો પણ તેઓને રોજગાર મેળવવા માટે મુશ્કેલી પડે એવી શક્યતાઓ છે. તેમજ વર્ષોથી દરિયા કિનારે રહેનારા લોકોને અન્ય સ્થળે રહેણાંક કરવું એ પણ અનુકૂળ આવી શકે તેમ નથી. તેથી હવે સ્થાનિક લોકો પણ અવઢવમાં છે.
ગામનું અસ્તિત્વ મટી શકે છે: આમ વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા નાનીદાંતી અને મોટીદાંતી ગામનું અસ્તિત્વ ટકાવવું હોય તો નજીકમાં પ્રોટેકશન વોલ બનાવવી જરૂરી બની છે. જો અહીં પ્રોટેક્શન વોલ નહીં બનાવવામાં આવે તો આગામી સમયમાં નકશામાંથી નાનીદાંતી અને મોટીદાંતી ગામનું અસ્તિત્વ મટી શકે છે.