અમદાવાદ: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, જો તેમને લાગે છે કે ગુજરાતના અધિકારીઓએ બાંધકામોને તોડી પાડવાના મામલામાં કોર્ટના આદેશની અવગણના કરી છે, તો તેઓ સત્તાવાળાઓને તે બાંધકામો પુનઃસ્થાપિત કરવા કહેશે. આ મામલો જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ સમક્ષ આવ્યો હતો. અરજદાર સમસ્ત પટણી મુસ્લિમ જમાતનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેના આદેશ છતાં ગુજરાતમાં અધિકારીઓએ બાંધકામ તોડી પાડ્યું છે.
જ્યારે ગુજરાતના અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે બાંધકામો દરિયાને અડીને અને સોમનાથ મંદિરથી લગભગ 340 મીટર દૂર હતા. મહેતાએ કહ્યું કે આ આપના દ્વારા બનાવવામાં આવેલા અપવાદ હેઠળ આવે છે.
બેન્ચે કહ્યું, 'જો અમને લાગે કે તેઓએ અમારા આદેશનો અનાદર કર્યો છે, તો અમે તેમને ન માત્ર જેલમાં મોકલીશું, પરંતુ અમે તેમને તે બધું જ પુનઃસ્થાપિત કરવા પણ કહીશું.' સુપ્રીમ કોર્ટે આ કેસમાં નોટિસ જારી કરી નથી, પરંતુ મહેતાને જવાબ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે.
અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બરના આદેશના કથિત ઉલ્લંઘન બદલ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશભરમાં મંજુરી વગક ગુનાના આરોપી સહિત કોઈપણની મિલકતને તોડી પાડવામાં આવશે નહીં.
1 ઑક્ટોબરે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો ડિમોલિશન ગેરકાયદેસર જણાય તો મિલકત પાછી આપવી પડશે અને કહ્યું કે, તે તમામ મિલકતોને તોડી પાડવાના મુદ્દા પર સૌ નાગરિકો માટે દિશા-નિર્દેશ નિર્ધારતી કરશે ન કે કોઈ ચોક્કસ સમુદાય માટે.
અગાઉ, 17 સપ્ટેમ્બરના રોજ આપેલા આદેશમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે વધુ સ્પષ્ટતા કરીએ છીએ કે જ્યાં કોઈ જાહેર સ્થળ જેમ કે રોડ, શેરી, ફૂટપાથ, રેલ્વે લાઈન અથવા કોઈ નદી અથવા જળાશયો હોય ત્યાં અમારો આદેશ લાગુ થશે નહીં, જ્યાં કોઈ અનધિકૃત બાંધકામ છે અને તે પણ એવા કિસ્સાઓમાં કે જ્યાં કોર્ટ દ્વારા તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હોય.